PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઝાલોદ કેળવણી મંડળના સ્તંભ સમાન અને ઝાલોદ નગરના પટેલ સમાજના અગ્રણી એવા હિરેનભાઈ કનુભાઈ પટેલનું અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. આ બાબતની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે પહોચી કોર્ડન કરી તપાસ હાથ ધરી છે. જેથી જાણ થઈ શકે કે આ મામલો હિટ એન્ડ રનનો છે કે પછી પૂર્વ આયોજિત કાવતરુ ?
ઝાલોદ પટેલ સમાજના અગ્રણી એવા હિરેનભાઇ કનુભાઈ પટેલ ઝાલોદ મુવાડામાં પોતાના નિવાસ સ્થાનથી આજે તા.૨૭/૦૯/૨૦૨૦ ને રવિવારના રોજ વહેલી સવારે મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા હતા, ત્યારબાદ તેના થોડા સમયગાળા બાદ દાહોદ રોડ ઉપર અન્ય વ્યક્તિ રસ્તામાંથી પસાર થતાં તે વ્યક્તિએ રોડની સાઈડમાં આવેલ ઝાડીમાં કોઈક વ્યક્તિ આડો પડેલી હાલતમાં નજરે પડેલ અને તે વ્યક્તિના પગ રસ્તા પર અને અડધુ શરીર ઝાડીઓમાં જોવાતા આ વ્યક્તિ કોણ છે તે અંગે તપાસ કરતાં તે વ્યક્તિ હિરેનભાઈ પટેલ હોવાનું જણાતા આ અંગે તેમના પરિવારને તથા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ હિરેનભાઇ પટેલને ઝાલોદની સુંદરમ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર કરવા લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સુંદરમ હોસ્પિટલના ડોક્ટર દ્વારા વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતા. અને તેઓને વડોદરા લઈ જતા હતા ત્યાં રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું.
ઝાલોદ પોલીસે આ ઘટના અંગે હાલ તપાસમાં લાગી ગઈ છે અને રસ્તામાં આવતા તમામ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગની તપાસ કરી રહી છે અને આ મામલો હિટ એન્ડ રનનો છે કે પછી કોઈ પૂર્વ આયોજીત કાવતરું, એ અંગે તપાસ જોતરાઈ ગઈ છે.