
- આજના સમયમાં પણ મહિલાઓ રમત ગમત, વિજ્ઞાન, રાજકારણ જેવા ઘણા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાઓ સાબિત કરી છે. – જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ અરવિંદાબેન પટેલીયા
- આજે સરકાર પણ મહિલાઓને સમાન હકો અને તકો આપવા પ્લેટફોર્મ પૂરું પાડવા બનતા તમામ પ્રયાસો કરી રહી છે. – કલેકટર યોગેશ નિરગુડે
“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે ટ્રાયબલ મ્યુઝીયમ, દાહોદ ખાતે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ અરવિંદાબેન પટેલીયાના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ અધિકારી રોહનકુમાર ચૌહાણએ મહાનુભાવો સહિત ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી સૌ બહેનોને મહિલા દિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કર્યા પછી દોલતગંજ પ્રાથમિક શાળાની નાનકડી બાળાઓએ સ્વાગત ગીત રજુ કરીને કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન નારી સશક્તિકરણ અંતર્ગત દાહોદનું નામ રોશન કરનાર દીકરીઓએ પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતું. ત્યારબાદ એવી બહેનો કે જેઓ ગ્રામીણ વિસ્તારમાં રહીને પણ સમાજમાં ઉપર ઉઠીને પોતાનું નામ બનાવ્યું છે એમણે પણ પોતાની સફળ ગાથા રજુ કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહેમાનોએ મહિલાઓને શિક્ષણ, પ્રાકૃતિક જીવનશૈલી અને આત્મનિર્ભરતા વિષયક પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ અરવિંદાબેન પટેલીયાએ ભારત માતાની જય બોલાવતાં કહ્યું હતું કે, આજે મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. મહિલાઓ થકી દેશમાં ઘણા પરિવર્તનો આવી રહ્યાં છે. આજના સમયમાં પણ મહિલાઓ રમત ગમત, વિજ્ઞાન, રાજકારણ જેવા ઘણા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાઓ સાબિત કરી છે. આપણી સરકાર મહિલાઓને વિવિધ યોજનાઓ થકી પણ પોતાના વિભાગો દ્વારા મદદ કરી રહી છે.
દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ આ સંદર્ભે પ્રેરણાત્મક પ્રવચન આપતાં કહ્યું હતું કે, મહિલાઓએ પોતે પોતાસને સક્ષમ માનવું જોઈએ. આજના સમયમાં જોઈએ તો તમામ ફિલ્ડમાં મહિલાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે, એ જોતા કહી શકાય કે, આજની મહિલાઓ તમામ સ્તરે પોતાનું નામ ઉજ્જવળ કરી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તમામ મહિલાઓ-દીકરીઓ પોતાનામાં રહેલી શક્તિને ઉજાગર કરીને આગળ વધે તે જરૂરી છે. આજે સરકાર પણ મહિલાઓને સમાન હકો અને તકો આપવા પ્લેટફોર્મ પૂરું પાડવા બનતા તમામ પ્રયાસો કરી રહી છે, જેનો સૌ મહિલા-દીકરીઓએ લાભ લેવો જોઈએ.
આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થી બહેનોને સહાયના મંજુરી હુકમ, સન્માન પત્રો, ટ્રોફી તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે બેટી બચાવો-બેટી પઢાવો માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન પ્રાંત અધિકારી મિલિન્દ દવે, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણGʻ દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ , દાહોદ તાલુકા વિકાસ અધિકારી, આંગણવાડી બહેનો સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.


