- કેન્દ્ર સરકારે દેશના ખેડૂતો સક્ષમ અને મજબૂત બને તે માટે સૌ પ્રથમ ટેકાના ભાવે ઉત્પાદન ખરીદી માટેનું ઐતિહાસિક કદમ ભર્યુ છે : કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર
- દાહોદ જિલ્લાના ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે જિલ્લાના જુદા જુદા કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મકાઇ અને ડાંગર ખરીદી કરાશે.
- જિલ્લાના રખડતા પશુઓની સારવાર માટે “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ”નું મંત્રી / મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલા ટેકાના ભાવો મુજબ ખેડૂતોએ ઉત્પાદન કરેલ અનાજની ખરીદી કરવાનો દેશમાં સૌ પ્રથમ નિર્ણય કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં ટેકાના ભાવે મકાઇ, બાજરી અને ડાંગર ખરીદીનો શુભારંભ ભારત સરકારના આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના અને ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે એ.પી.એમ.સી., દાહોદ ખાતે નિયત ખરીદ કેન્દ્રો પરથી કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દીપ પ્રાગટ્ય સાથે યોજનાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી થાય, ખેડૂતો સક્ષમ અને મજબૂત બને તે માટે દેશમાં સૌ પ્રથમ કદમ ટેકાના ભાવે ઉત્પાદન ખરીદી માટેનું ઐતિહાસિક કદમ ભર્યુ છે. તેમને દેશના જુદા જુદા પ્રદેશોમાં ખેડૂતોના ઉત્પાદન પ્રમાણે પોક્ષણક્ષમ ભાવો નક્કી કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકારના પુરવઠા નિગમ લી.ના જિલ્લાના જુદા જુદા કેન્દ્ર ખાતેથી તા.૩૧/૧૨/૨૦૧૮ સુધી ખરીદવામાં આવશે. ઓનલાઇન એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન કરાવવા જુદા જુદા તાલુકાના ખરીદ કેન્દ્રોનો સંપર્ક કરી આ યોજનાનો લાભ લેવા ખેડૂતોને આહ્વાન કર્યુ હતુ. ખેડૂતના પાકનું વળતર કોઇ વચેટીયા કે દલાલો વગર તેમના ખાતામાં સીધે સીધું જમા થશે. જિલ્લાના ખેડૂતોને સિંચાઇ યોજનાનો લાભ આગામી સમયમાં મળી રહે તે માટે કડાણા આધારિત સિંચાઇ યોજના ટુંકા ગાળામાં પૂર્ણ થનાર છે. આજે દુધની આવક પણ પ્રતિદિન એક લાખ લીટર થઇ છે. તે માટે જિલ્લાના પશુપાલનના વ્યવસાયને વધુ વેગવંતો બનાવવા જિલ્લામાં અલાયદી જિલ્લાની દુધ ડેરી શરૂ કરવા માટેનું આયોજન છે. તેમ કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ભાભોરે જણાવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યુ હતુ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનના ખેડૂત લક્ષી વિવિધ કાર્યક્રમો અભિગમો સહિત કૃષિ મહોત્સવ કાર્યક્રમો થકી આજે ખેડૂતોનું ઉત્પાદન વધ્યું છે. ત્યારે આ ઉત્પાદન થકી ખેડૂત આર્થિકરીતે સધ્ધર થાય અને તેની આવક બમણી થાય તે માટે ટેકાના ભાવોથી ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અગાઉની સરકારોએ ખેડૂતો માટે નહોતું વિચાર્યુ. અગાઉ ખેડૂતોને મકાઇના ભાવ રૂા.૧૪૦૦/- અને ડાંગરના ભાવ ૧૫૫૦/- મળતા હતા. જે આજે પ્રતિ રૂા. ૧૭૦૦/- અને ૧૭૭૦/- નક્કી કરાયા છે. એટલે રૂા. ૩૦૦/- અને ૨૨૦/-નો સીધો વધારો થયો છે. તેમ જણાવતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે તેમ રાજ્ય મંત્રીશ્રી ખાબડે દ્રઢતાપૂર્વક ઉલ્લેખ કરતાં આંકડાકીય વિગતો દ્વારા ખેડૂતોને સમજ આપી હતી. આ યોજનાનો ખેડૂતો લાભ લઇ શકે તે માટે વધુને વધુ જુદા જુદા માધ્યમોથી પ્રચાર- પ્રસાર અને તેનો સંદેશો પહોંચે તેવા પ્રયાસો કરવા ઉપસ્થિત સૌ ચેરમેનશ્રીઓ, સંબંધિત અધિકારીઓ/ પદાધિકારીઓ, ખેડૂત ભાઇ- બહેનોને અપીલ કરી હતી.
આ પ્રસંગે કલેક્ટર વિજય ખરાડીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યુ હતુ કે જિલ્લાના ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે સરકાર દ્વારા ઉત્કૃષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો લાભ લેવા માટે ખેડૂતો જરૂરી પુરાવાઓ સાથે ઓનલાઇન અરજી કરે. જો ૭/૧૨, ૮-અ કે પાણી પત્રકમાં પાકની નોંધ ન થઇ હોય તો ગ્રામ સેવક કે તલાટીને મળી અને તે અંગેનું પ્રમાણ પત્ર રજૂ કરવાથી પણ આ યોજનાનો લાભ મળી શકશે અને ૨૪ કલાકમાં ખેડૂતના ખાતામાં સીધા નાંણા જમા થશે. તેની વિગતવાર કલેક્ટરશ્રીએ સરળભાષામાં સમજ આપી હતી.
આ પ્રસંગે જિલ્લાના રખડતા પશુઓની સારવાર માટે “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ”નું મંત્રીશ્રી/ મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી/ મહાનુભાવોએ એ.પી.એમ.સી. ખાતે મકાઇ/ ડાંગર ખરીદ કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે લીમખેડા પ્રાંત અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ડી.જે.વસાવાએ આભારવિધી કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા પંચાયત પશુપાલન અધિકારી ર્ડા. કમલેશ ગોંસાઇએ કર્યુ હતુ.
આ શુભારંભ પ્રસંગે જ ખેડૂતોએ ખરીદ કેન્દ્રો ઉપર ૩૨ ક્વિન્ટલ ઉપર મકાઇનું વેચાણ કરી રૂા.૫૫,૦૦૦/- નું વળતર મેળવ્યુ હતું. તેની સ્લીપ તથા ખેતીવાડી વિભાગ દ્વારા રવિ પાક માટે ચણાના બિયારણના કિટ્સનું વિતરણ મંત્રીશ્રી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, ધારા સભ્ય રમેશ કટારા, જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલીયાર, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીરભાઇ લાલપુરવાલા, જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલ, દાહોદ પ્રાંત અધિકારી તેજશ પરમાર, દાહોદ, A.P.M.C. ના ચેરમેન કનૈયાલાલ કિશોરી, વાઇસ ચેરમેન કૈલાશ ખંડેલવાલ, નાયબ પશુપાલન નિયામક અને ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી ર્ડા.રણજીતસિંહ નાયક, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.વી.વ્યાસ, જિલ્લા તાલુકાના અધિકારીઓ / પદાધિકારીઓ, કર્મચારીઓ,જિલ્લા/ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપલિકાના કાઉન્સિલરશ્રીઓ, એ.પી.એમ.સી.ના અગ્રણીઓ/ કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.