ઘણા દિવસોથી ચાલી રહેલી પતંગોત્સવની તૈયારીનો આજે અંત આવ્યો હતો. આ વર્ષે પતંગો અને દોરાના ભાવ વધુ હોવા છતાં પતંગરસિકોએ ભાવ વધારાની ચિંતા કર્યા વગર આજે ઉત્તરાયણ પર્વની આનંદભેર ઉજવણી કરી હતી અને ધાબા ઉપર સ્ટેરિયો સિસ્ટમ લગાવી સંગીતના આનંદ સાથે આકાશી યુદ્ધની ભારે ઉત્સાહથી મજા માણી હતી. આખો દિવસ પતંગ રસ્યાઓએ ધાબા ઉપર ચડી પતંગોના પેચ લડાવ્યા હતા અને સાથે સાથે ઊંધિયા-જલેબી-ફાફડા તેમજ લીલવાની કચોરી તથા તલ સાંકળી તેમજ સ્વાદના રસિયાઓએ સહપરિવાર ખાણીપીણીની જયાફત ઉડાવી હતી તથા સાંજના સમયે લોકોએ ધાબા ઉપર ફટાકડા ફોડી આતશબાજી પણ કરી હતી.
ઉત્તરાયણએ ફક્ત પતંગ ઉડાડવાનો પર્વ નથી પરંતુ હિન્દુ ધર્મમાં ઉત્તરાયણના પર્વનું અનેરું મહત્વ છે ધાર્મિક માન્યતા પ્રમાણે આજના દિવસે લોકો સવારમાં મંદિરોમાં દર્શન કરી ગરીબોને દાન તથા ગાયને ઘઉની ઘૂઘરી,કૂતરાને રોટલી વિગેરે આપી પુણ્યનું ભાથું બાંધતા હોય છે. આમ ગરબાડામાં ઉત્તરાયણ પર્વની આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી.