ગરબાડા તાલુકાનાં ગુલબાર ગામે સરપંચ ફળિયા અને પાટિયા ફળીયાના વોટર વર્કસના વીજ જોડાણ માટે જતી ભારે દબાણવાળી વીજલાઇનના વાયરો તથા વીજ લાઇનના અન્ય સામાનની ચોરી થયેલ છે. આ બાબતે MGVCL પેટા વિભાગીય કચેરી ગરબાડા ખાતે નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા વિક્રમભાઈ રમણલાલ પારેખે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પોલિસ વિભાગ તફથી મળેલ માહિતી મુજબ, MGVCL પેટા વિભાગીય કચેરી ગરબાડાના તાબા હેઠળના વિસ્તાર ગુલબાર ગામે સરપંચ ફળિયા અને પાટિયા ફળીયાના ૧૧ કેવી પાંચવાડા ફિડરની નવીન વોટર વર્કસ વિષયક જોડાણો માટે વીજ પૂરવઠો પુરો પાડવા માટેની લાઇન પસાર થાય છે. આ લાઇન ઉપર નવીન વીજ જોડાણ માટે વોટર વર્કસ વિભાગ દાહોદ તારીખ ૨૩/૧૨/૨૦૧૫ ના રોજ વીજ જોડાણનો ઉપયોગ કરવા ગયેલ તે વખતે તેમને સદર વીજ જોડાણ માટેની લાઇનના વાયરો ચોરાઇ ગયેલાનું માલૂમ પડતાં તે બાબતે જવાબદાર અધિકારી દ્વારા MGVCL ઓફિસમાં લેખિતમાં જાણ કરેલ. ત્યારબાદ MGVCL પેટા વિભાગીય કચેરી ગરબાડા ખાતે નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા વિક્રમભાઈ રમણલાલ પારેખ તથા અન્ય કર્મચારીઓએ સ્થળ મુલાકાત કરેલ અને જરૂરી પંચનામા અને જરૂરી કાર્યવાહી કરેલ અને જાણવા મળેલ કે ચોરી તારીખ ૨૩/૧૨/૨૦૧૫ પહેલા કોઈ પણ સમયે થયેલ છે અને તપાસ દરમ્યાન MGVCL ના કુલ ૪૬ ગાળાનો ૬.૨૧૦ કિમી વીજ વાયર અને લાઇનનો અન્ય સામાન મળીને કુલ રૂપિયા ૪૭૦૦૦/- ના માલ સામાનની ચોરી થયેલ હોવાનું જાણવા મળેલ છે.
આ બાબતે MGVCL પેટા વિભાગીય કચેરી ગરબાડા ખાતે નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા વિક્રમભાઈ રમણલાલ પારેખે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલિસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮/૧૬ ઇ.પી.કો. કલમ.૩૭૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.