Priyank Chauhan – Garbada
ગરબાડા તાલુકાનાં દેવધાથી પાંચવાડા વચ્ચે હાઇવે ઉપર ઘાસ ભરેલી ટ્રકમાં વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. દાહોદથી ફાયરબ્રિગેડ આવતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ટ્રક તથા ટ્રકની અંદર રાખેલ તમામ ઘાસ બળીને ખાખ થઈ જતાં ટ્રક સહિત આશરે રૂપિયા પંદર લાખ જેટલું નુકશાન થયેલ હોવાનું જાણવા મળેલ છે. અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી. આ ઘટના બાબતે ટ્રકના ડ્રાઇવરે ગરબાડા પોલિસ સ્ટેશનમાં જાણ કરેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગઇકાલ તારીખ.૧૩/૦૪/૨૦૧૬ ના રોજ સાંજના આશરે સાતેક વાગે ખેડા જિલ્લાના કારસલ ગામેથી ડાંગરની ઘાસની ગાઠો ભરીને મધ્યપ્રદેશના ભાભરા આવવા નીકળેલ ટ્રક નંબર.જીજે.૯.ઝેડ.૨૪૪૪ માં આજરોજ તારીખ.૧૪/૦૪/૨૦૧૬ ના રોજ વહેલી સવારના ચાર વાગ્યાના સુમારે દાહોદથી ભાભરા જતાં હાઇવે ઉપર પાંચવાડા ગામ પાસે ટ્રકના નીચેના ભાગમાં સોર્ટસર્કિટથી આગ લાગેલ અને આ ટ્રકની પાછળ આવતી બસના ચાલકે ટ્રકને ઓવરટેક કરીને ટ્રકના ડ્રાઇવરને ટ્રકની નીચેના ભાગમાં આગ લાગેલ છે તેવું કહેતા ટ્રકના ડ્રાઇવરે ટ્રક ઊભી રાખી ડ્રાઇવર તથા ક્લીનર નીચે ઊતરેલ તથા બસનો ડ્રાઇવર પણ નીચે ઊતરેલ અને ટ્રકના ડ્રાઇવરે અને ક્લીનરે ટ્રક નીચે જોતાં ટ્રકમાં નીચેના ભાગમાં આગ લાગેલ હોવાનું માલૂમ પડતાં તેમણે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ ઓલવાયેલ નહીં અને જોત જોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરતાં આખી ટ્રક બળવા લાગી હતી. જેથી બસના ડ્રાઇવરે ૧૦૮ ને ફોન કરીને આ બાબતની જાણ કરેલ. દાહોદથી ફાયર બ્રિગેડ આવતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો ટ્રક તથા ટ્રકની અંદર રાખેલ ઘાસ બળીને ખાખ થઈ ગયેલ હતું જે પ્રસ્તુત તસવીરોમાં નજરે પડે છે.
ઘાસ ભરેલ ટ્રક બળીને ખાખ થઈ જતાં ટ્રક સહિત આશરે રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- જેટલું નુકશાન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આ ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિ થયેલ નથી. આ ઘટના સંદર્ભે ટ્રકના ડ્રાઇવર શોકત ઇશાક હસને ગરબાડા પોલિસ સ્ટેશનમાં જાણ કરેલ છે જેથી ગરબાડા પોલીસે જાણવાજોગ ૩/૧૬ થી નોંધ કરેલ છે.
(Byte : શોકત ઇશાક હસન (ટ્રક ડ્રાઇવર) : ખેડા જિલ્લાના કારસલ ગામેથી ઘાસની ગાઠો ભરી ભાભરા ગામે આતિકભાઈએ મંગાવેલ હોય હું તથા ટ્રકનો ક્લીનર સુફિયાન ઈદરિસ બંગલી ભાભરા આવવા માટે નીકળેલા. આજે સવારે ૩:૫૫ વાગ્યાના સુમારે મારી પાછળ આવતી બસના ચાલકે મારી ટ્રકને ઓવરટેક કરી મારી ટ્રક ઊભી રખાવીને મને કીધું કે ટ્રકમાં નીચેના ભાગે આગ લાગી છે એટલે મે તથા ક્લીનરે નીચે ઉતરીને જોતાં ટ્રકની નીચે સોર્ટસર્કિટથી આગ લાગેલનું માલૂમ પડતાં મે તથા ક્લીનરે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો પણ આગ બુઝાયેલ નહી અને આગ એકદમ વકરતા બસના ચાલકે ૧૦૮ ને ફોન કરીને જાણ કરેલ અને ફાયરબ્રિગેડ આવી જતાં આગ ઓલવી હતી. ઘાસ તથા ટ્રક બળીને ખાખ થઈ જતાં ટ્રક સહિત અંદાજે પંદર લાખ જેટલું નુકશાન થયેલ છે.