આદિવાસી સમાજના લોકો દ્વારા તારીખ.૧૩/૦૩/૨૦૧૬ ના રોજ ગરબાડા રામદેવજી મંદિરે, સમાજ વ્યસન મુક્ત બને તે માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગરબાડા તાલુકામાં દારૂનું વેચાણ બંધ થાય અને દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ થાય તેમજ ખાસ કરીને ઘરડી ગાયોને કતલખાને મોકલવાના બદલે ગૌશાળામાં મોકલવામાં આવે તે બાબતની આ મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ બાબતની સમાજમાં જાગૃતિ લાવવા તારીખ.૧૯/૦૩/૨૦૧૬ ના રોજ ગરબાડા ગામમાં રેલી કાઢી ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
તેના ભાગરૂપે આજરોજ તારીખ.૧૯/૦૩/૨૦૧૬ ના રોજ ગરબાડા ગામમાં આદિવાસી સમાજના લોકોએ વ્યસન મુક્તિના બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી સમાજ વ્યસન મુક્ત બને તેમજ ઘરડી ગાયોને કતલખાને મોકલવાના બદલે ગૌશાળામાં મોકલવામાં આવે તેવી ભારપૂર્વક માંગણી સાથે ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આપ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, ગરબાડા તાલુકો મધ્યપ્રદેશ રાજ્યને અડીને આવેલો અતિ પછાત તાલુકો છે. આ વિસ્તારમાં મોટા ભાગે આદિવાસી પ્રજા રહે છે જે આખો દિવસ મજૂરી કરી આવક મેળવે છે જે આખો દિવસ મહેનત કરેલી આવક છેલ્લે દારૂ પીવામાં વેડફી નાંખે છે જેના કારણે તેમનું આખું કુટુંબ બરબાદ થઈ જાય છે અને જે કઈ પણ માલ મિલકત હોય તે પણ વેચી નાંખતા હોય છે.
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે તેવું માત્ર ને માત્ર કહેવા માટેજ છે પરંતુ તેનો વાસ્તવિક રીતે અમલ થતો નથી. ગરબાડા તાલુકામાં ઠેરઠેર દારૂની હાટડીઓ ધમધમે છે. જ્યારે જોઇયે, જેટલો જોઇયે તેટલો દેશી-વિદેશી દારૂ ગમે ત્યારે મળી જાય છે. જેના કારણે લોકો દારૂની લતે ચઢી પોતાનું જીવન બરબાદ કરી નાંખે છે અને ખાસ કરીને આજની યુવા પેઢી દારૂની લતમાં પોતાનું ભવિષ્ય બરબાદ કરી રહી છે. જેથી ગરબાડા તાલુકામાં દારૂનું વેચાણ સદંતર બંધ થાય અને લોકો વ્યસન મુક્ત બને તેવી અમારી માંગણી છે.
વધુમાં ખેડૂતો દ્વારા પોતાની ઘરડી ગાયોને નજીવી કિંમતમાં કતલખાને વેચી દેવામાં આવે છે. જો તે ગાયો કતલખાનાના બદલે ગૌશાળામાં મોકલી દેવામાં આવે તો ગાયોનો જીવ બચી જાય. માટે ગરબાડા તાલુકાનાં હાટ બજારમાં ગાયોના ખરીદ-વેચાણ ઉપર સરકારશ્રીના નિયમ મુજબ પ્રતિબંધ મૂકવા અમારી માંગણી છે.
આવેદન પત્ર આપતી વખતે ગરબાડા તાલુકાના સાધુ સંતો તેમજ ગરબાડા તાલુકાનાં અન્ય માણસો તેમજ ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં વ્યસનમુક્તિ માટેનું આવેદન પત્ર ગરબાડા મામલતદારને આપવામાં આવ્યું હતું જે આવેદન પત્ર ગરબાડા મામલતદાર સ્વીકારતા તસવીરમાં નજરે પડે છે.