Priyank Chauhan – Garbada
ગરબાડા હનુમાનજી મંદિર ચાર રસ્તાથી ગાંગરડી તરફ જતાંગરબાડા ખરોડ નદીનાં નવા બનેલ પુલ સુધીનો રસ્તો એકદમ તુટેલી અને બિસ્માર હાલતમાં હોવાથી નાના મોટા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને ખાસ કરીને દ્વિ-ચક્રી વાહન ચાલકોને ખુબજ મુશ્કેલી પડતી હતી. જે બાબતે આ રસ્તાને રીકાર્પેટિંગ કરવા બાબતેNewstok24 માં તારીખ 09/03/2016 ના રોજ સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આ સમાચાર પ્રસિદ્ધ થયાને પગલે તંત્ર દ્વારા ત્રણેક દિવસ બાદ સદર રસ્તાના ખાડા પુરવા માટે ફક્ત ગ્રેવલ જ નાંખવામાં આવી હતી અને કોઈ ડામરથી પેચિંગ વર્ક કરવામાં આવેલ નથી કે રસ્તો સમથળ કરેલ નથી જેથી તંત્ર દ્વારા કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોય તેમ લાગે છે.
ગ્રેવલ નાંખી ખાડા પુરીયાને એક માસ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં પણ તંત્ર દ્વારા ડામરથી પેચિંગ વર્ક આજદિન સુધી કરવામાં આવ્યું નથી કે રસ્તો વ્યવસ્થિત કરવામાં આવ્યો નથી અને ટ્રાફિકના ભારણથી ગ્રેવલ નીકળી જવાના કારણે ફરી પાછા આ રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલ છે અને આ રસ્તાની હાલત ફરી પહેલા જેવી જ થઈ ગયેલ છે. જે હાલની તસવીરોમાં નજરે પડે છે.
ગરબાડાથી ગાંગરડી, મંડોર, ધાનપુર તરફ જવાનો આ મુખ્ય રસ્તો હોવાથી આ રસ્તા ઉપર કાયમી ધોરણે નાના મોટા વાહનોની અવરજવરના કારણે ટ્રાફીકનું ભારણ રહેતું હોય છે. આ રસ્તા ઉપર રીકાર્પેટિંગ કરી રસ્તો વ્યવસ્થિત કરવામાં નહીં આવતા આ રસ્તા ઉપર ફરી તેજ સ્થળે મોટા મોટા ખાડા પડી ગયેલ છે. હાલમાં લગ્નસરા સિઝન પુરજોશમાં ચાલતી હોવાથી આ રસ્તા ઉપર ટ્રાફીકનું ભારણ ખુબજ વધ્યું છે. આ રસ્તા ઉપર ફરી મોટા મોટા ખાડા પડી જવાના કારણે પરિસ્થિતી યથાવત રહી છે જેના કારણે વાહન ચાલકોને દિન પ્રતિદિન પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ગ્રેવલની કાંકરીઓના કારણે બાઇક સ્લીપ મારવાના બનાવ પણ અવારનવાર બનતા રહે છે અને કોઈ મોટો અકસ્માત થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. તો શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ દેખી રહ્યું છે કે કોઈ મોટો અકસ્માત સર્જાય પછી રસ્તો વ્યવસ્થિત કરવો ? કે પછી તંત્ર દ્વારા જાણીબુઝીને આ રસ્તા ઉપર રીકાર્પેટિંગ કરવામાં આવતું નથી તે એક મોટો પ્રશ્ન છે.
આજ રસ્તા ઉપર નળવાઈ ક્રોસિંગ પાસે પણ રસ્તા ઉપર મોટા ખાડા પડી ગયેલ છે તે પણ રીકાર્પેટિંગ કરવું અત્યંત જરૂરી છે.
જેથી સબંધિત તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ વહેલામાં વહેલી તકે આ રસ્તા ઉપર રીકાર્પેટિંગ કરવામાં આવે તેવી લોક માંગ છે તથા જરૂરી સ્થળોએ બંપ (Speed Breaker) મૂકવામાં આવે તેવી પણ લોક માંગ છે.