
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ૫૦ ઉદ્યોગો સાહસિકોને ૧.૫૩ કરોડથી વધુ રકમની લોનનું વિતરણ
જિલ્લા ઉધોગ કેન્દ્ર, દાહોદ દ્વારા MSME કમિશનર જે. રંજીથકુમાર ગાંધીનગરની અધ્યક્ષતામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગોને પ્રોત્સાહન અને બેન્કર્સ પરિસંવાદ યોજાયો હતો. જિલ્લાના ઉધોગ સાહસિકોએ આ પરિસંવાદમાં ભાગ લઇ MSME ની વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ૫૦ ઉધોગ સાહસિકો ને ૧.૫૩ કરોડથી વધુ રકમની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનું આયોજન બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલ ખાતે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સંબોધન કરતાં MSME કમિશનર જે. રંજીથકુમારે જણાવ્યું કે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગોના વિકાસ માટે સરકાર દ્વારા MSME નાં એક અલગ વિભાગની રચના કરવામાં આવી છે. કોઇ પણ નવો ઉધોગ ધંધો સરળતાથી શરૂ કરી શકાય તે તેનો ઉદ્દેશ છે. આ માટે MSME ની સાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. વિવિધ સરકારી મંજુરીઓ ત્યાર બાદના ત્રણ વર્ષના સમયગાળામાં મેળવી શકાય છે પરંતુ ઉધોગ તાત્કાલીક શરૂ કરી શકાય છે. આમ, સરકારી મંજુરીઓની આંટીઘુટીમાં ઉધોગકારના સમયનો વ્યય થતો નથી. તેમણે MSME ની વિવિધ યોજનાઓ અને કામગીરીની પણ માહિતી આપી હતી. MSME ઉદ્યોગકારોની સૌથી મોટી સમસ્યા મૂડી અને રોકાણનું સમાધાન તેની વિવિધ લોન સહાય યોજનાઓ અને સબસીડી દ્વારા કેવી રીતે કરે છે તેની પણ માહિતી આપી હતી. તેમણે ધંધાનો વિસ્તાર કરવા માટે IPO કેટલો મદદગાર થાય છે અને તે સંદર્ભે MSME ની ભૂમિકા પણ સમજાવી હતી.
જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ પરિસંવાદમાં પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં ખેતીવાડી અને પશુપાલન લોકોનો મુખ્ય વ્યવસાય છે. જિલ્લાના ઉધોગ સાહસિકોને યોગ્ય વાતાવરણ મળે એ ખૂબ જરૂરી છે. સરકાર દ્વારા પણ વિવિધ ઉધોગ ધંધાના વિકાસ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. યુવા વર્ગે આ યોજનાઓ વિશે માહિતગાર થઇ સ્વરોજગાર તરફ વળવું જોઇએ. પરિસંવાદમાં નેશનલ સ્ટોક એકસચેન્જના પ્રતિનિધી ચેતન વ્યાસે IPO વિશે વિગતે માહિતી શ્રોતાઓને આપી હતી. જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજર જીગર દવેએ એક પ્રેઝન્ટેશન દ્વારા MSME ની વિવિધ કામગીરી સમજાવી હતી. કાર્યક્રમમાં કાર્યક્રમમાં વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ૫૦ ઉધોગ સાહસિકોને ૧.૫૩ કરોડથી વધુ રકમની લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ લોન કરીયાણા, રેડીમેડ ગાર્મેન્ટ, કપ પ્લેટ મેકિગ યુનિટ, સેન્ટીગ કામ વગેરે જેવા વિવિધ ધંધા સ્થાપવા માટે જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાની જે બેન્કોએ ઉધોગોને લોન સહાય બાબતે લક્ષ્યાંકથી પણ વધુ સારી કામગીરી કરી છે તેમના મેનેજરશ્રીઓને શાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ બેન્કોના જનરલ મેનેજરશ્રીઓ, બ્લાઇંડ વેલફેર સંસ્થાના યુસીફી કાપડીયા અને મોટી સંખ્યામાં ઉધોગ સાહસિકો ઉપસ્થિત રહ્યાં હતા.