- જનહિત સર્વોપરી એ જ રાજ્ય સરકારનો મંત્ર – રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરી
- પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં પીએમ કેર્સ ફંડમાંથી નવનિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું કર્યું ઇ-લોકાર્પણ
- ઝાલોદ ખાતે રૂ. ૨.૯૪ કરોડના ખર્ચે નવનિર્મિત ઓક્સજન પ્લાન્ટની ૨૫૦ લીટર પ્રતિ મિનિટની ક્ષમતા, ૨૭ બેડને ઓક્સિજન થશે સપ્લાય.
ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરાંચલથી દેશભરમાં પીએમ કેર્સ ફંડમાંથી નવનિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ નિમિત્તે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદની સબડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખાતેનાં નવનિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું પણ તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહીને આ પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. ઝાલોદ ખાતેના પીએસએ ઓક્સિઝન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દેશનાં ૭૩૬ જિલ્લાઓનાં ૧૧૦૦ જેટલા સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં પણ ૧૮ સ્થળોએ નવા ઓક્સિજન પ્લાન્ટનું આજે લોકાર્પણ થઇ રહ્યું છે. અત્રેના ઝાલોદ ખાતેના હોસ્પીટલમાં પણ જનઆરોગ્ય સુખાકારીમાં વધારો કરતો નવો પીએસએ ઓક્સિજન પ્લાન્ટ નાગરિકોને મળશે.
તેમણે જણાવ્યું કે, ઝાલોદ ખાતેના આ ઓક્સિજન પ્લાન્ટ ૨૫૦ લીટર પ્રતિ મિનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જે ૨.૯૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અહીંના ૨૭ જેટલા બેડને તેનાથી ઓક્સિજન સપ્લાય મળશે. આ ઓક્સિજન પ્લાન્ટ સીધો જ વાતાવરણમાંથી ઓક્સિજન મેળવીને ઉત્પાદન કરે છે. રાજ્ય સરકાર ત્રીજી લહેરમાં કોઇ પણ જિલ્લામાં કટોકટીભર્યા સંજોગોની સ્થિતિ ન સર્જાય એ માટે જનઆરોગ્ય સુવિધાઓમાં સતત ઉમેરો કરી રહી છે. દાહોદમાં પણ કોરોના સામે આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, કોરોનાની બીજી લહેર રાજ્ય માટે મોટો પડકાર હતો પરંતુ રાજ્ય સરકારે તેનો મક્કમતાથી મુકાબલો કર્યો હતો. એ સમયે દર્દીઓની સંખ્યામાં સતત ઉછાળા સામે ઓક્સિજન ની ક્ષમતા ઓછી પડી રહી હતી. જે માટે બીજા રાજ્યો સહિત વિદેશમાંથી પણ આ ઓક્સિજન સપ્લાય પૂરો કરવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે અત્યારે વેક્સિનેશન અભિયાનમાં દેશભરમાં અગ્રેસર છે. હાલમાં ૪ કરોડથી પણ વધુ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્ય વધુને વધુ સજ્જ થઇ રહ્યું છે. આજે લોકાર્પિત કરવામાં આવેલા ૧૮ જેટલા ઓક્સિજન પ્લાન્ટથી કોરોના સામે વધુ એક મક્કમ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં જનહિત સર્વોપરી એ જ રાજ્ય સરકારનો મંત્ર છે.
તેમણે ઉમેર્યું કે, દાહોદમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ સરસ થઇ રહી છે. દાહોદનાં ૯૭ ટકા લોકોએ વેક્સિન લઇ લીધી છે જે ધન્યવાદને પાત્ર છે. તેમ છતાં આપણે કોરોના સામેના માસ્ક, સામાજિક અંતર સહિતની બાબતોનું ચુસ્ત પાલન કરવાનું છે.
જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ લોકોને કોરોના સામે રક્ષણ મળે અને આરોગ્ય સુવિધાઓ સરળતાથી લોકો સુધી પહોંચે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે કોરોનામાં ઉમદા કામગીરી કરનારા ફરજપરસ્ત ડોક્ટરો અને નર્સો સહિતનાં આરોગ્યકર્મીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સો ટકા વેક્સિનેશન પુરૂ કરનારા સરપંચોનું પણ મંચ ઉપર બહુમાન કરાયું હતું.
આ વેળાએ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ ભાભોર અને ઉપપ્રમુખ અનિતાબેન, અગ્રણી શંકરભાઇ અમલીયાર, પ્રાંત અધિકારી – ઝાલોદ, જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ સહિતનાં અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
તેમજ આ રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અન્વયે સુરતમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્મીમેર હોસ્પીટલ, સુરતમાં PM CARES અંતર્ગત 80 લાખના ખર્ચે 1.87 મેટ્રિક ટનની કેપેશિટી વાળા PSA ઓક્સિઝન પ્લાન્ટના ઈ-લોકાર્પણમાં ફતેપુરના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ હાજરી આપી હતી અને કોરોના વોરિયર્સ અને વેક્સીનેશનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.