દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક અને હાર્દ સમા ઝાલોદ ખાતે આજ રોજ તારીખ ૦૩/૦૩/૨૦૧૬ ગુરુવાર ના રોજ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે શ્રી હનુમંત કૃપા સત્સંગ સેવા સમિતિ, ઝાલોદ દ્વારા સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ વર-કન્યાઓના લગ્ન કરાવ્યા હતા. શ્રી હનુમંત કૃપા સત્સંગ સેવા સમિતિના આયોજક સુભાષભાઈ એમ. અગ્રવાલ, નારણભાઇ કલાલ તથા અન્ય મહાનુભવો દ્વારા વણાક તળાઈ હનુમાનજી મંદિરેથી સવારના ૧૦:૦૦ કલાકે આ આઠ દુલ્હાઓનો વરઘોડો નીકળી ઝાલોદના રાજમાર્ગો પરથી પસાર થઈ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ૧૨:૦૦ કલાકે આવ્યો હતો ત્યાં સમિતિના સંચાલકો દ્વારા આ આઠેય દુલ્હાઓનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ વર અને કન્યાને લગ્ન મંડપમાં લાવી લગ્નગ્રંથિથી બંધવામાં આવ્યા હતા. આ ૮ (આઠ) જોડાને શ્રી હનુમંત કૃપા સત્સંગ સેવા સમિતિ દ્વારા ઘરવખરીનો બધોજ સામાન, કન્યાને સોનાનું મંગલસૂત્ર, સોનાની નથણી, ચાંદીની વિછુડી, ચાંદીનો ઝૂડો, તિજોરી, ડબલબેડ સાથે બેડશીટ, ઓશિકા, ઓઢવા માટે રજાઈ, સૂટકેશ મળીને લગભગ રૂપિયા ૧,૦૦,૦૦૦/- (એક લાખ) જેટલો સામાન આપ્યો હતો તેમજ અન્ય લોકોએ પણ અનેક ભેટ સોગાત આપી હતી.
આ પ્રસંગને ઝાલોદ તાલુકાનાં નેતા, અગ્રણીઓ તથા વેપારી ભાઈઓએ આ પ્રસંગમાં ભાગ લઈ ખૂબ સરસ રીતે વધાવી આ કાર્યક્રમનું સફળતા પૂર્વક અને શાંતિ થી આયોજન પાર પાડવામાં આવ્યું હતું.