દાહોદ તાલુકાના કઠલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર – ચંદવાણા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા જિલ્લા ક્ષય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ટીબી શોધખોળ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ટીબીના જોખમ ધરાવતા કુલ 157 લાભાર્થીઓનું પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.
એક્સ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવતા લાભાર્થીઓની NAAT તપાસ કરાશે અને જરૂર જણાય ત્યાંથી સારવાર શરૂ કરવામાં આવશે. એક્સ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY TB ટેસ્ટ કરવામાં આવશે જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે, આગામી સમયમાં દાહોદ જિલ્લાના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે પોર્ટેબલ એક્સ-રે તપાસ કેમ્પો યોજાશે. તેમણે લોકોને અપીલ કરી કે, ટીબીના લક્ષણો ધરાવતા અથવા જોખમવાળા દરેક વ્યક્તિએ તપાસ કરાવી ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા સહયોગ આપવો જોઈએ.


