મારા હૃદયના ઓપરેશન માટે ૩ લાખના ખર્ચની સારવાર થઇ પણ એકેય પૈસો આપવો નથી પડ્યો, એ માટે સરકારનો હું દિલથી આભારી છું.- લાભાર્થી જવસિંહભાઈ
ભારત સરકારે આયુષ્યમાન કાર્ડ થકી લાભાર્થીઓને ૫ લાખની આરોગ્ય લક્ષી સહાય આપવાનું અમલમાં મુકેલ છે ત્યારે નોંધનીય છે કે, ગુજરાત સરકારે એમાં વધારાના ૫ લાખની સહાયનો ઉમેરો કરીને કુલ ૧૦ લાખની સહાય આયુષ્યમાન કાર્ડ થકી ગુજરાતી લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા આર્થિક રીતે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આયુષ્માન કાર્ડ દ્વારા આવરી લઈને આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ પ્રદાન કરવામાં કેન્દ્ર અને રાજય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.
વાત છે દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના ડોકી ગામના પટેલ ફળિયામાં રહેતા લગભગ ૫૩ વર્ષીય જવસિંહભાઈની. એકાદ વર્ષથી જવસિંહભાઈને હૃદયની બીમારી હતી. તેઓ ખેતીવાડી તેમજ છૂટક મજૂરી થકી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમ છતાં તેઓની સારવાર રિધમ હોસ્પિટલ કઈ રીતે માં કરવામાં આવી. તે વિશે તેઓ પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, પહેલાં મારો પરિવાર પણ ચિંતામાં પડી ગયો હતો કે, હૃદયની બીમારી ઘણી મોટી ને ગંભીર બીમારી કહેવાય, અને એનો ખર્ચ કાઢવો એટલે અમારી જીવનની બધી મૂડી નાખીએ તોય ના પહોંચી વળાય. અમે રહ્યા ખેડૂત. ખેતીમાંથી જે મળે એ અમારી મૂડી. ને ત્યાં આવા ખર્ચ કાઢવા અમારા ગજાની બહારની વાત કે’ વાય.
રિધમ હોસ્પિટલમાં મારા હૃદયના ઓપરેશનનો ખર્ચ ૩ લાખ જેટલો થયો હતો. મારી પરિસ્થિતિ સારી ન હોવાથી આ ખર્ચ હું ઉઠાવી શકું એમ ન હતો. પરંતુ સરકારે આપેલ આયુષ્યમાન કાર્ડના કારણે મારું ઓપરેશન વગર ટેંશને અને વગર પૈસે થઇ ગયું. અમારી પાસેથી એકપણ પૈસો લીધો નથી. મને ખુબ સારી રીતે હોસ્પિટલમાં સેવા મળી છે, અને કોઈપણ પ્રકારની તકલીફ નથી પડી. હું આજે સ્વસ્થ છું અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીમાંથી બહાર આવ્યો તે પણ સરકારના લીધે. મારા હૃદયના ઓપરેશન માટે સરકારે આયુષ્યમાન કાર્ડ વડે મારી સારવાર કરાવી એ માટે હું સરકારનો કાયમ માટે દિલથી આભારી રહીશ.