દાહોદ શહેરમાં ત્રિ-દિવસિય સનાતન ધર્મ સંવર્ધન કાર્યક્રમ આજથી શરૂ થઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં અનંત શ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય શારદાપીઠાધીશ્વર દ્વારકા જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત થઈ ગયા છે. આ ત્રિ-દિવસિય કાર્યક્રમમાં દાહોદ શહેર અને જિલ્લાના વિવિધ ગામોમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમાં જનમેદનીને શુભ આર્શિવચનો તથા ભગવદ્ ભક્તિ જ્ઞાનનું વિવેચન કરી સનાતન મૂલ્યોનું સ્થાપન, રક્ષણ અને સંવર્ધન વિશે માર્ગ પ્રશસ્ત કરાશે. આજે સ્વામીના શુભ આગમન પ્રસંગે સાંજે ૦૬:૩૦ વાગે દાહોદના અમદાવાદ – ઇન્દોર હાઇવે ઉપરથી ભવ્ય બાઈક અને કાર રેલી સ્વરૂપે ભવ્ય યાત્રા નીકળી હતી અને દાહોદના વિવિધ રાજમાર્ગો જેમાં પડાવ, હનુમાન બજાર ખુંટ, નેતાજી બજાર નગરપાલિકા ચોક, માણેક ચોક થઈ ભગીની સમાજ થી ચાર શાંભલા અને ત્યાંથી સ્વામી વિવેકાનંદ સર્કલ થી પરત વળી વૈજનાથ મહાદેવ મંદિર સ્ટેશન રોડ પર પુર્ણાહુતિ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજનો લોકો પણ જોડાયા હતા અને ઠેર ઠેર સ્વામીનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
આ શોભાયાત્રા દરમિયાન આતિશબાજી પણ કરવામાં આવી હતી અને શારદાપીઠાધીશ્વર દ્વારકા જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજના દાહોદ આગમનને લોકોએ લાગણી અને ભક્તિ ભાવથી વધાવ્યું હતું.