- જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ પીઠોરા પેઇન્ટિંગ આપી રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી બાવળીયાનું કર્યું સ્વાગત.
- જળ, જમીન અને જંગલના રાખવાળા એવા આદિવાસીઓ કોઈપણ પ્રકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી ન જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.- મંત્રી કુંવરજી બાવળીયા
દાહોદ જિલ્લામાં મંત્રી કુંવરજી બાવળીયાની પ્રેરક અધ્યક્ષતા હેઠળ દાહોદમાં આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ – ૨ ખાતે ૯ મી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લોએ ગુજરાતની પૂર્વ પટ્ટીએ આવેલો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. અહીં મોટે ભાગે આદિવાસી લોકોએ વર્ષોથી પોતાની ઓળખ સાચવી રાખી છે. પોતાના અનોખા રીત – રિવાજો તેમજ પોતાની આગવી સંસ્કૃતિને વળગી રહેનારો આદિવાસી સમાજ પોતાની ઓળખને વર્ષોથી સાચવી રાખી છે. આદિવાસી ગીતો પર ઢોલ – નગારા – શરણાઈ તેમજ ડાંગ લઈને માથે પાઘડી અને પાઘડીમાં પીછા સાથે આદિવાસી પહેરવેશ સાથે નૃત્ય કરતા જઈને રાજ્યમંત્રી કુંવરજી બાવળીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ‘આદિવાસી જંગલના રાખવાળા રે’ આદિવાસી ગીત પર નાનકડી બાળાઓએ નૃત્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ રાજ્યમંત્રી કુંવરજી બાવળીયાનું સ્વાગત પીઠોરા પેઇન્ટિંગ આપીને કર્યું હતું. જિલ્લા કલેકટરએ પ્રાસંગિક પ્રવચન આપતાં કહ્યું હતું કે, આપણો દાહોદ જિલ્લોએ આદિવાસી બાહુલ્ય જિલ્લો છે. જેથી આદિવાસીઓના વિકાસ અર્થે સરકારનું અહીં વિશેષ ધ્યાન રહે છે.
રાજ્યમંત્રી કુંવરજી બાવળીયાએ સૌને આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે, આજનો દિવસ આદિવાસી ઓ માટે વિશેષ દિવસ છે. સરકારે સમગ્ર દેશના વિકાસ માટેની જે કામગીરી આરંભી છે જેમાં આદિવાસી સમાજના કલ્યાણ માટે પણ અનેકવિધ યોજનાઓ આદિવાસી સમાજના છેલ્લામાં છેલ્લા ઘર સુધી તમામ યોજનાઓ પહોંચે તેમજ સાચા અર્થમાં યોજનાઓ અમલમાં મુકાય અને સાકાર થાય તે માટે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જળ, જમીન અને જંગલના રાખવાળા એવા આદિવાસી ઓ કોઈપણ પ્રકારની કલ્યાણકારી યોજના ઓથી વંચિત રહી ન જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
રાજ્યમંત્રીએ વધુમાં ઉમેરતાં કહ્યું હતું કે, આવનાર સમયમાં દાહોદ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં સિંચાઈની સુવિધા જલ્દી ઉપલબ્ધ થાય એ માટેની કામગીરી કરવામાં આવશે. જે વાતને લઈને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વ્યક્તિગત અને સામુહિક યોજનાઓના માધ્યમથી સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ બની છે.
આ કાર્યક્રમ દરમ્યાન દાહોદના વિવિધ શાળાઓના સિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓનું રાજ્યમંત્રી તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ્દ હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. એ સાથે અનેકવિધ યોજાનાઓના લાભાર્થીઓને ચેક અને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ નિમિતે આદિવાસીઓની સંસ્કૃતિને ઉજાગર કરતા ગીતો તેમજ આદિવાસી નૃત્ય વડે સાંસ્કૃતિક કાર્યકમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગ નિમિતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપતાં કહ્યું હતું કે, આદિવાસી ભાઈ – બહેનોની અસ્મિતા, ઇતિહાસ અને ગૌરવ ગાથા વર્ણવતો આ દિવસ છે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના સમગ્ર સમાજની સાથોસાથ આદિવાસીઓ પણ વિકાસમાં આગળ આવે અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપે તે માટે સતત પ્રયત્નો કર્યા છે.
વિશ્વ આદિવાસી દિવસ નિમિતે યોજાયેલ આ કાર્યક્રમ દરમ્યાન દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રયોજના વહીવટદાર સ્મિત લોઢા, સી.બી. બલાત (IAS), પ્રાંત અધિકારી નિલાંજસા રાજપૂત, મામલતદાર મનોજ મિશ્રા, નગર પાલિકા ચીફ ઓફિસર યશપાલ વાઘેલા, નગર પાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી દિપક ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર ભગીરથ બામણ્યા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ અન્ય અધિકારીઓ, વિવિધ યોજાનાઓના લાભાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.