રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે દાહોદ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ તથા દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત સહયોગથી દાહોદ અનાજ માર્કેટ યાર્ડ ખાતે નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ હેલ્થ કેમ્પ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં માર્કેટ યાર્ડના કર્મચારીઓ, વેપારીઓ તથા મજૂરવર્ગને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ હેલ્થ કેમ્પના આયોજન પ્રસંગે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના વાઇસ ચેરમેન કૈલાસભાઈ ખંડેલવાલ, કમિટીના સભ્યો, પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરનભાઈ શાહ, અર્બન હોસ્પિટલના સહમંત્રી ઉમેશભાઈ શાહ તથા અર્બન હોસ્પિટલના ટ્રસ્ટી શેતલભાઈ કોઠારી સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન HIV, ટીબી (ક્ષયરોગ), હિપેટાઇટિસ B અને C, લેપ્રસી (કુષ્ટરોગ), ડાયાબિટીસ (શુગર) તથા બ્લડ પ્રેશર, સિકલસેલ જેવી બીમારીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે આરોગ્ય નિષ્ણાતો દ્વારા રોગ નિવારણ, સ્વસ્થ જીવનશૈલી તથા આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ નિઃશુલ્ક હેલ્થ કેમ્પમાં કુલ 115 લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ દિશા ડાપકુ, ટી.આઈ. પ્રોજેક્ટ તથા અનાજ માર્કેટ યાર્ડના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ હેલ્થ કેમ્પમાં આરોગ્ય વિભાગના વિવિધ કર્મચારીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિઓ, ટી.આઈ. પ્રોજેક્ટ, લિંક વર્કર સ્કીમ, વિહાન, સિકલસેલ, લેપ્રસીના કર્મચારીઓ તેમજ અનાજ માર્કેટના કર્મચારીઓ, વેપારીઓ અને મજૂરવર્ગ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


