દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા. ૨૭/૦૩/૨૦૧૯ ના બુધવારના રોજ સુહાગનો દ્વારા શીતળા માતાની પૂજા અર્ચના કરી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે આ માટે શીતળા સાતમનું વ્રત તથા પૂજા કરવામાં આવે છે. વહેલી સવારથી જ સ્ટેશન રોડ પાર આવેલ શીતળા માતાના મંદિરમાં સુહાગનોની ભીડ લાગેલી જોવા મળી હતી.
આ દિવસે સ્ત્રીઓ ચૂલો કે સગડી સળગાવતી નથી, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માતાની વાર્તા વાંચે છે, સાંભળે છે અને સંભળાવે છે. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ પણ કહેવામાં છે. આ દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે.
ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે અને આ દિવસે તેઓ ગેસના ચૂલા કે સગડીને પ્રગટાવતા નથી. આ દિવસે ઘરની સ્ત્રીઓ આંબાના રોપા રોપે છે. આંબાના રોપવાનું રહસ્ય એ છે કે, સમગ્ર કુટુંબવર્ગને આમ્રવૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે.
શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાય રહે છે. આડકતરી રીતે જોઇએ તો સૂપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે. એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે.
જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના-ઉપાસના કરે છે. આ સાધન-પૂજા અને કર્મ-પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માઁ જગદંબાને કરે છે. શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે. વ્રતધારી સ્ત્રીઓ માઁ શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઇચ્છે છે.
શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્યશક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઇએ. शीतलायै नमः એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી. દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતેય ગોયણીઓને પ્રેમપૂર્વક જમાડવી. શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી. આ વ્રતને “વૈધવ્યનાશન” વ્રત પણ કહેવાય છે.