 કલેકટરએ સંબંધિત અધિકારીઓને ખેલ મહાકુંભના આયોજન બાબતે જરૂરી સૂચનાઓ આપી
કલેકટરએ સંબંધિત અધિકારીઓને ખેલ મહાકુંભના આયોજન બાબતે જરૂરી સૂચનાઓ આપી
દાહોદના ખેલાડીઓને રમત ગમત ક્ષેત્રે પૂરતું પ્લેટફોર્મ મળી રહે અને યોગ્ય ખિલાડીઓને તક મળે તે જરૂરી છે.-કલેકટર યોગેશ નિરગુડે
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે દાહોદ કલેકટર કચેરી ખાતે દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ – ૨૦૨૫ ને ધ્યાને રાખી બેઠક યોજવામાં આવી હતી. ખેલ મહાકુંભમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો ઉત્સાહ પૂર્વક ભાગ લે તે હેતુથી તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, ઝોન કક્ષા તેમજ રાજ્ય કક્ષાએ વિવિધ રમતોમાં અલગ-અલગ વયજૂથની સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. આ ખેલ મહાકુંભમાં શાળા – કોલેજોના વિદ્યાર્થીઓ વધુમાં વધુ ભાગ લે તે માટેના તંત્ર દ્વારા પ્રયાસો કરવા માટે કલેકટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.
કલેકટર યોગેશ નિરગુડેએ ખેલ મહાકુંભને લગતી દાહોદ જિલ્લાની કામગીરી સમીક્ષા કરીને રમતને અનુરૂપ સુચારુ આયોજન થાય, ખેલાડીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેમજ પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન સહિત સૂચનાઓ આપી હતી. ખેલ મહાકુંભમાં તાલુકા / વોર્ડ / ઝોન કક્ષાએની સ્પર્ધા તા.૦૬/૧૧/૨૦૨૫ થી તા.૧૨/૧૧/૨૦૨૫, જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. ૧૧/૧૧/૨૦૨૫ થી ૩૦/૧૧/૨૦૨૫, ઝોન કક્ષાની સ્પર્ધા તા.૦૧/૧૨/૨૦૨૫ થી ૧૫/૧૨/૨૦૨૫ તેમજ રાજ્યકક્ષાની સ્પર્ધા ૧૬/૧૨/૨૦૨૫ થી ૧૪/૦૧/૨૦૨૬ સુધી યોજાશે.
આ બેઠક દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડે, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી સહિત સંબંધિત તમામ અધિકારીઓ તેમજ રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


 
                                    