EDITORIAL DESK DAHOD
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વચ્છતા જાગૃત્તિ દિન જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને રેડક્રોસ ભવન, એલ.આઇ.સી. ઓફિસની બાજુમાં, દાહોદ ખાતે ઉજવાયો હતો.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે સ્વચ્છતા અને મહિલા એક બીજાને પૂરક છે. પ્રાચીન સમયથી ચાલી આવતી સમાજ વ્યવસ્થામાં રોજ બરોજનું કામ મહિલાઓ જ કરતી હોય છે. તેથી સમગ્ર કુટુંબ કે ગામના આરોગ્યની જાળવણીનું કામ પણ મહિલાઓના હાથમાં જ છે. તેમ જણાવતાં સ્વચ્છતા અને શૌચાલયનો ઉપયોગનો અસરકારક સંદેશો પણ મહિલાઓ જ પહોંચાડી શકે તેવી શ્રી ઉપાધ્યાયે અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(પંચાયત) પટેલે રાજય સરકારની સ્વચ્છતા અંગેની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. સૌ એ સ્વચ્છતા માટે સહયોગી બનવું પડશે તો જ સ્વચ્છ ભારત મિશન સાર્થક કરી શકાશે. તેમને ગ્રામ પંચાયતમાં સફાઇ વેરો ભરવા, ૧૦૦ ટકા શૌચાલય વાળી ગ્રામ પંચાયતોને વધારાની ગ્રાંટ, સ્માર્ટ વિલેજ, શૌચાલય માટે મળતા ફંડની જાણકારી આપતાં મહિલાઓ સ્વચ્છતા માટે જાગૃત થશે તો ઘણાં સારા પરિણામો હાંસલ કરી શકાશે એમશ્રી પટેલે જણાવ્યુ હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકની કચેરી, સ્વચ્છત ભારત મિશન (ગ્રામિણ) કો.ઓર્ડિનેટરશ્રી પ્રજાપતિએ મિશનની સમજ આપ્તાં જણાવ્યુ હતુ કે અન્ય રાજ્યોની સરખામણીએ આપણાં રાજયમાં શૌચાલયોની કામગીરી ઘણી સારી છે. પરંતુ તેનો ઉપયોગ ઓછો થાય છે. તે દુઃખની વાત છે. ખુલ્લામાં શૌચાલય કરવાથી રોગચાળો ફાટી નીકળવા સાથે અન્ય અઘટિત ઘટનાઓ કે બનાવો બનવાની શક્યતાઓ રહેલી છે. તેમ જણાવતાં મહિલાએ જ આ બાબતે જાગૃત થવું પડશે. આ કાર્યક્રમમાં બસંરી કલાવૃંદે ભવાઇ દ્વારા સ્વચ્છતા, કુટુંબ નિયોજન, શિક્ષણ અંગેનો સંદેશો પહોંચાડવાનો ઉત્કૃ્ષ્ટ પ્રયાસ કર્યો હતો.
આ પ્રસંગે વ્યક્તિગત શૌચાલયની કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ સરપંચશ્રીઓનું તથા સ્વચ્છતાના શિલ્પી તરીકે સારી કામગીરી કરનાર સખીમંડળની બહેનોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વચ્છતા અને શૌચાલય બાંધકામ અને ઉપયોગ અંગે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સંજેલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી માનસિંહ ભાભોર, ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી હંસાબેન વહોનીયા, ઝાલોદ તાલુકા પંચાયત યોજના સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી મનાત, ગરબાડા તાલુકા વિકાસ અધિકારીશ્રી ભુરા, મિશન મંગલમ અધિકારી શ્રી મીણા, જિલ્લા તાલુકાના અધિકારીઓ- કર્મચારીઓ, સરપંચશ્રીઓ, જુદા જુદા ગામોની મહિલાઓ, આરોગ્ય અને આંગણવાડીની કાર્યકર બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા