Saturday, April 5, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લાના ફતેપુરાના ગૃહત્યાગ કરેલા બાળકનું મા-બાપ સાથે મેળાપ કરાવતું જિલ્લા બાળ...

દાહોદ જિલ્લાના ફતેપુરાના ગૃહત્યાગ કરેલા બાળકનું મા-બાપ સાથે મેળાપ કરાવતું જિલ્લા બાળ સુરક્ષા એકમ

બાળક ફરતો ફરતો સુરતથી ટ્રેનમાં બેસી કર્ણાટક પહોંચી ગયો હતો.

દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાનો ૧૩ વર્ષનો એક બાળક છેલ્લા પાંચ માસથી ગુમ હતો અને ફરતા ફરતા છેક કર્ણાટક પહોંચી ગયો હતો. ચાઇલ્ડ હેલ્પલાઇનની મદદથી બાળકને તેના કુંટુંબ સાથે પુન: મેળાપ કરાવવામાં સફળતા મળી હતી. અહીંની જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તેના માવતરનો સંપર્ક કરી તેમના બાળક સાથે મેળાપ કરાવવામાં આવ્યો હતો.
વાત એમ બની કે, ફતેપુરાનું કુંટુંબ રોજગારી અર્થે જામનગર ગયું હતું. પાંચ બાળક સહિત સાત જણાના કુંટુંબમાં આર્થિક સઘર્ષ અને કૌટુંબિક કલહથી કંટાળીને આ બાળક ઘરેથી નાસી ગયો હતો. જે મહેસાણાથી સુરત ફરતો ફરતો પહોંચ્યો હતો અને સુરતથી ટ્રેનમાં બેસીને કર્ણાટક પહોંચ્યો હતો. છેલ્લા પાંચ મહિનાથી આ બાળક ગુમ હતો. તેના મા-બાપ દ્વારા તેની ખૂબ શોઘખોળ કરવામાં આવી હતી પરંતુ જાગૃતિને અભાવે તેમણે પોલીસ ફરિયાદ કરી નહોતી.
કર્ણાટકમાં આ બાળકને એકલો રખડતા ભટકતાં જોઇને એક જાગૃત નાગરિકે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ ઉપર સંપર્ક કરીને આ બાળક વિશે જાણ કરી હતી. અને તુરત જ ત્યાંના ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેકશન યુનિટે આ બાળક સુધી પહોંચી ગઈ હતી. બાળકનું કાઉન્સિંલ કરતા બાળકે ઠેકાણા તેમજ પોતાના મા-બાપ વિશે જણાવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટે દાહોદ ખાતેનાં જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કર્યો હતો. અહીંના બાળ સુરક્ષા એકમના અધિકારી શાંતિલાલ તાવિયાડે બાળકના ફતેપુરા ખાતેના માવતરને શોધી કાઢીને તેઓનું બાળક મળ્યું હોવાની વાત જણાવી હતી.

વધુમાં કર્ણાટકથી ડિસ્ટિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટનો સ્ટાફ દાહોદ સુધી આ બાળકને મુકવા આવ્યો હતો અને અહીંના બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ તાવીયાડ, સમાજ સુરક્ષા અધિકારી આર.પી.ખાટાભાઇ તેમજ અબ્દુલ વસીમ કુરેશી, બરજોડ સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં આ બાળકને તેના મા-બાપને સોંપવામાં આવ્યો હતો. અહીંના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળક તેમજ મા-બાપનું કાઉન્સિંલિગ કરવામાં આવી રહ્યું હતું. જેથી ભવિષ્યમાં કૌટુંબિક કે બીજા કોઇ પણ કારણસર બાળક આવું પગલું ન ભરે. બાળકનું પણ વિશેષજ્ઞો દ્વારા કાઉન્સિંલ કરવામાં આવ્યુ અને તેના ઘરેથી નાશી જવાના કારણો અને આવું ફરીથી ન કરે એ માટે સમજ આપવામાં આવી હતી.

ખોવાયેલા, નાશી છૂટેલા કે કોઇ પણ સમસ્યામાં સપડાયેલા બાળકની મદદ કરવા માટે દેશવ્યાપી ૧૦૯૮ નંબરની હેલ્પલાઇન ૨૪ કલાક પોતાની સેવા આપે છે અને બાળકોની મદદે આવે છે. દરેક નાગરિક કોઇ પણ બાળકની મદદ કરવા આ નિ:શુલ્ક હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments