દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટ દ્વારા મેડિકલ સ્ટોર, પાનના ગલ્લા, હોટલો વિગેરે જગ્યાઓએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી અમુક દુકાનદારો પોતાની દુકાન ટપોટપ બંધ કરી પલાયન થઈ ગયા હતા. વધુમાં સરકાર દ્વારા કોરોના વાઈરસ ના પગલે વધુ સાવચેતી લેવામાં આવી રહી છે ત્યારે મેડિકલ સ્ટોર્સમાં માસ્ક અને સેનીટાઇઝરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી તાત્કાલિક ધોરણે જથ્થો ઉપલબ્ધ કરવા માટે પણ કડક સૂચના આપવામાં આવી હતી.
વધુમાં મહાલક્ષ્મી નાસ્તા હાઉસમાથી બુંદીનો નમુનો લીધો હતો ત્યારબાદ પાણીપુરીની લારી વાળાઓ પાસે અખાદ્ય લાલ ચટણી હોઈ તેનો પણ નાશ કરાવ્યો હતો. શુભલક્ષ્મી નાસ્તા હાઉસમાં વીતી ગયેલ તારીખની લિમ્કા અને થમ્સઅપ ની અઢી લીટર વાળી બોટલો નંગ 7 નો પણ નાશ કરાવ્યો હતો. તદ્દ ઉપરાંત જે હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં વારંવાર ઉપયોગમાં લેવાતા તેલના TPC ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આમ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાતું સતર્ક થતા ભેળસેળ કરતાં વેપારીઓએ દુકાનો બંધ કરી ઉભી પૂંછડીએ રવાના થઈ ગયા હતા.