તા. ૧૯મી એ દાહોદ સહિત અન્ય જિલ્લાઓના યુવાનો માટે ફિઝિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા યોજાશે.
દાહોદ જિલ્લાના ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહ સાથે ઉતીર્ણ અપરિણિત પુરુષ ઉમેદવારો માટે વાયુસેનામાં જોડાઇને દેશસેવા કરવાની અમૂલ્ય તક છે. સુરતમાં આગામી તા.૧૭ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ., ઉધના મગદલ્લા રોડ, વેસુ ખાતે સેન્ટ્રલ એરમેન સિલેકશન બોર્ડ દ્વારા વાયુસેના ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૯/૦૨/૨૦૨૦ એ દાહોદ સહિત અન્ય જિલ્લાઓના યુવાનો માટે ફિઝિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા યોજાશે. જેનો એડેપ્ટિબિલિટી ટેસ્ટ – ૧ અને ર તા.૨૦ ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને શારીરિક માપદંડો નિર્ધારિત કરાયા છે. જેમાં મેડિકલ આસિસ્ટન્ટ-નોન ટેકનીકલ ટ્રેડ માટે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે સરેરાશ ૫૦ ટકા સાથે પાસ અને અંગ્રેજી વિષયમાં ૫૦ માર્કસ સાથે પાસ હોવું જરૂરી છે. ઉમેદવારોનો જન્મ તા. ૧૭/૦૧/૨૦૦૦ થી તા. ૩૦/૧૨/૨૦૦૩ દરમિયાન થયેલો હોવો જોઇએ. ઉમેદવારી કરવા માંગતા યુવાનોએ તા. ૧૯/૦૨/૨૦૨૦ ના રોજ સવારે ૬.૦૦ કલાક પહેલા ભરતીના સ્થળે સ્વખર્ચે હાજર રહેવાનું છે. પ્રથમ દિવસે ફિઝીકલ ફિટનેશ ટેસ્ટ અને લેખિત પરીક્ષા ત્યાર બાદ બીજા દિવસે પાસ થયેલા ઉમેદવારો માટે એડેપ્ટિબિલિટી ટેસ્ટ ૧ અને ર યોજાશે.
આ ભરતી રેલી સંદર્ભે ઇન્ડિયન એરફોર્સની વેબસાઇટ www.airmenselection.cdac.in પર વધુ માહિતી મેળવી શકાશે. તેમજ આ સંદર્ભે ઇન્ડિયન એરફોર્સની વેબસાઇટ પર પ્રસિદ્ધ જાહેરાતમાં દર્શાવેલી માહિતી આખરી રહેશે તેમ દાહોદ જિલ્લા રોજગાર અધિકારીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.