THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- વ્યાપારી – કોન્ટ્રાક્ટરોએ તેમના કામદારો – શ્રમિકોને નક્કી થયેલું મહેનતાણું ચુકવવા આદેશ.
- મકાન માલિક ભાડુંઆત-શ્રમિકો, વિદ્યાર્થીઓને તેમની જગ્યા છોડવાની ફરજ પાડી શકશે નહી, એક મહિના સુધી ભાડુ માંગી શકશે નહી.
- શ્રમિકોને રહેવા-જમવાની વ્યવસ્થા માલિક, કોન્ટ્રાક્ટરે ફરજીયાત કરવાની રહેશે.
દાહોદ જિલ્લામાં તા. ૨૫ માર્ચથી ૨૧ દિવસીય લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લાના શ્રમિકો, કામદારોના હિતાર્થે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ – ૨૦૦૫ની કલમ – ૩૪ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા મુજબ તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો, વ્યાપારી, વાણિજય સંસ્થા-દુકાનો, કોન્ટ્રાક્ટરોએ તેમના તમામ પ્રકારના કામદારોને લોકડાઉનના સમય દરમિયાન તેમના ઉદ્યોગો, વેપાર વાણિજય સંસ્થા – દુકાનો બંઘ રહ્યા હોય તો પણ કામના સ્થળે નક્કી થયેલ મહેનતાણું, નિયત થયેલ તારીખે જ કોઇ પણ પ્રકારના કપાત વગર પુરેપુરુ ચુકવવાનું રહેશે. કામદારો, શ્રમિકો સ્થળાંતર થતા લોકો સહિત કે જે ભાડાથી રહે છે તેમના રહેણાંક મકાનના માલિકોએ એક મહિના સુધી ભાડુ માંગવાનું રહેશે નહી. કોઇ મકાન માલિક કે તેના વતી તેમના મકાનમાં ભાડે રહેતા શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમની જગ્યા છોડવાની ફરજ પાડી શકાશે નહી.
ઉપરાંત, કોઇ પણ ઉદ્યોગો, વાણિજય સંસ્થા – દુકાનદાર, કોન્ટ્રાક્ટર તેમના શ્રમિકોને બળજબરી પૂર્વક કામના રહેઠાણના સ્થળોને છોડવાનું કહી શકાશે નહી. આ પ્રકારના શ્રમિકોને રહેવા અને જમવાની વ્યવસ્થા તેઓ જે સ્થળે કામ કરતા હોય તે સ્થળનાં માલિક, કોન્ટ્રાક્ટરે ફરજીયાત કરવાની રહેશે. આ જાહેરનામું તા. ૦૨ એપ્રીલ થી ૧૪ એપ્રીલ ૨૦૨૦ સુધી આ બંને દિવસો સહિત દાહોદ જિલ્લાના મહેસુલી વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમ સરકારી ફરજ ઉપરના અથવા રોજગારીમાં હોય તેમજ ગુજરાત સરકારશ્રી દ્વારા જાહેર કરેલા રોજિંદા જીવન જરૂરીયાતની આવશ્યક ચીજ-વસ્તુઓના ધંધા – વ્યવસાયમાં સંકળાયેલા લોકોને તેમજ સક્ષમ અધિકારીશ્રીની મંજુરી મેળવનારને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ – ૨૦૦૫ની કલમ – ૫૧ થી ૫૮ અને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.