FARUK PATEL – SANJELI
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ખાતે દાહોદ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સંજેલીની સંસ્કાર વિદ્યાલયના બાળકો અને સંજેલી PSI એસ.એન.બારીયા અને પોલીસ સ્ટાફ દ્વારા તા.૨૯/૦૧/૨૦૧૭ થી તા.૦૪/૦૨/૨૦૧૮ના માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગત તા.૦૧/૦૨/૨૦૧૮ ગુરુવારના રોજ “માર્ગ સલામતી સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી હતી. સંજેલીમાં આવેલ શ્રી પંચમુખી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા માર્ગ અકસ્માતના નિવારવા માટે પાળવામાં આવતા નિયમો જેવાકે દ્વિચક્રીય વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, કાર – જીપ ચલાવતી વખતે સીટબેલ્ટ લગાવવો, સાઈડ લેતી વખતે ઇન્ડીકેટરનો ઉપયોગ કરવો જે મહત્વના નિયમોની જાણકારી સંજેલી PSI એસ.એન.બારીયા સાહેબ દ્વારા આપવામાં આવી હતી.
ત્યારબાદ સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનો સંયુક્ત રીતે સંજેલી નગરના રાજમાર્ગો પર લોકોને વાહન ચલાવવાની જાગૃતિ આવે તેવા પોસ્ટરો જેવા કે “રસ્તો ઓળંગવા ઝીબ્રા ક્રોસિંગ નો ઉપયોગ કરવો”, “ચાલો માર્ગ સલામતિનો દીવો પ્રગટાવીએ અકસ્માતના આધારને દૂર ભગાવીએ”, “વાહન ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું”, “ચાલુ વાહને વહંચાલકે મોબાઇલથી વાત ન કરવી” તથા “મારા માટે તમારા માટે ટ્રાફિક નિયમો સારા માટે” જેવા પોસ્ટરો સાથે રેલી નિકાળવામાં આવી હતી તથા ઉપરોક્ત પોસ્ટરોવાળી સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાથી કાયદા અનુસાર દંડનીય અથવા કાર્યવાહીમાથી બચી શકાય છે તેવું પણ સંજેલી PSI એસ.એન.બારીયા સાહેબે જણાવ્યુ હતું.