
- દાહોદ જિલ્લા કક્ષાના ૧ તેમજ તાલુકા કક્ષાના ૪ શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું.
- ટેક્નોલોજી શિક્ષકનું નિર્માણ નથી કરી શકતી પરંતુ શિક્ષક ટેક્નોલોજીનું નિર્માણ કરી શકે છે. – સમારોહ અધ્યક્ષ જિ.પં. પ્રમુખ કરણસિંહ ડામોર
- શિક્ષકોનું સમાજ પ્રત્યે ખુબ મોટુ યોગદાન રહ્યું છે. ગુરુજનો-શિક્ષકો વગર કોઈપણ વ્યક્તિનું ઘડતર અશક્ય છે. – સાંસદ જશવંતસિંહ ભાભોર
- સમાજના નિર્માણની જવાબદારી શિક્ષકોના હાથમાં રહેલી છે. – દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે
સમગ્ર દેશમાં દર વર્ષે તા. ૦૫ સપ્ટેમ્બરને ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક એ વિદ્યાર્થીઓના જીવનની કેડી પર જ્ઞાનનું અજવાળું પાથરનાર એવો દિપક છે જે પોતે સળગી ને વિદ્યાર્થીઓ માટે જીવન સમર્પિત કરી દે છે. કોરી પાટી જેવા બાળકના જીવનમાં અનેકો રંગો ભરવાનું કામ શિક્ષક કરતા હોય છે. દાહોદ જિલ્લામાં આદિજાતિ સંગ્રહાલય ખાતે શિક્ષક દિનની ઉજવણી નિમિતે મુખ્ય મહેમાન સાંસદ જશવંતસિંહ ભાભોર, કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, કલેકટર યોગેશ નિરગુડે, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની ઉપસ્થિતિ હેઠળ કરવામાં આવી હતી.
મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત ગીત વડે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પુસ્તક, ખાદી અને આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારીયાએ સ્વાગત પ્રવચન થકી ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સાથે સૌ મહાનુભાવોનું પુસ્તક, ખાદી અને પુષ્પ ગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દરમ્યાન સમારોહના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, મુખ્ય મહેમાન સાંસદ જશવંતસિંહ ભાભોર, કલેકટર યોગેશ નિરગુડે સહિત મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દાહોદ જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ શ્રેષ્ઠ શિક્ષકોનું તેમજ દાહોદ જિલ્લાના વિવિધ શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું અને સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરએ જણાવ્યું હતું કે, શિક્ષણ પ્રણાલીમાં શિક્ષક એ મુખ્ય સ્તંભ છે. વિકસિત અને શિક્ષિત ભારતના નિર્માણ માટે શિક્ષકોનું ખુબ જ મહત્વનું યોગદાન રહ્યું છે અને સદાય રહેશે. આજના સમયની વાત કરીએ તો ટેક્નોલોજી શિક્ષકનું નિર્માણ નથી કરી શકતી પરંતુ શિક્ષક ટેક્નોલોજીનું નિર્માણ કરી શકે છે. કહેવાય છે કે, પહેલાં લોકો શિક્ષક ને માસ્તર કહેતા હતા અર્થ કે જે માં કરતાં પણ ઊંચું હોય એ માસ્તર. શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરનાર શિક્ષક જ હોય છે. કોઈપણ ઊંચું પદ કેમ ન હોય એને પ્રથમ તો શિક્ષકની જરૂર પડે જ છે. આપણા ભારત અને શિક્ષણને પ્રગતિ અને વિકાસના પંથે આગળ લઇ જવાનો આપણે સૌ એક થઇ સંકલ્પ લઈએ.
સાંસદ જશવંતસિંહ ભાભોરએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ને યાદ કરતા કહ્યું હતું કે, દેશનું ભવિષ્ય ઘડવાનું કાર્ય શિક્ષકો કરી રહ્યા છે. માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ જીવન જીવવાની કળા પણ શિક્ષકો શીખવે છે. સમાજ શિક્ષકો પર વિશ્વાસ મૂકી પોતાના બાળકો એમના ભરોસે સોંપે છે. શિક્ષક એ આપણા રાષ્ટ્ર્ર ની આત્મા અને સમાજનો મૂળ આધાર છે. શાળા-શિક્ષકોના પ્રશ્નો અને એમના વિકાસ અર્થે અમે સૌ તમારી સાથે છીએ. શિક્ષકોનું સમાજ પ્રત્યે ખુબ મોટુ યોગદાન રહ્યું છે. ગુરુજનો-શિક્ષકો વગર કોઈપણ વ્યક્તિનું ઘડતર અશક્ય છે.
આ પ્રસંગે કલેકટર યોગેશ નિરગુડેએ પ્રસંગોચિત ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, શિક્ષકો એ વિશ્વના ઘડવૈયા છે. શિક્ષણ એ ફક્ત ચાર દીવાલો વચ્ચે જ નહિ પરંતુ ગમે ત્યાંથી મેળવી શકાય છે. સમાજના નિર્માણની જવાબદારી શિક્ષકોના હાથમાં રહેલી છે. બાળકો વાંચન-લેખન-ગણનમાં આગળ વધે એ મુજબ સૌ શિક્ષકોએ કામગીરી કરવાની છે. બાળકોમાં આત્મવિશ્વાસ કેળવવાનું કાર્ય કરવાનું છે. કોઈપણ બાળકો પોતાના માતાપિતા કરતા શિક્ષકોની વાતને અનુસરતા હોય છે. એસએમસી થકી શાળાઓની ગુણવતા સુધારવા – વધારવાનું કાર્ય કરવાનું છે. આપણા બાળકોને સમગ્ર રીતે સક્ષમ બનાવવાનું મહત્વનું કાર્ય શિક્ષકોએ કરવાનું છે. આ પ્રસંગે કલેકટર યોગેશ નિરગુડેએ શિક્ષક થી લઈને સાંસદ સુધીની સફર કરનાર દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનું એક શિક્ષક તરીકે સન્માન કર્યું હતું. સમારોહના અંતે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાકેશ ભોંકણએ આભાર વિધિ કરી કાર્યક્રમની પુર્ણાહુતી જાહેર કરી હતી.
આ કાર્યક્રમ નિમિતે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાકેશ ભોંકણ (ઇન્ચાર્જ), જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારીયા, દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, પ્રાચાર્ય ડાયેટ, બીઆરસી, સીઆરસી, પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ – મહાનુભાવો, અધિકારીઓ તેમજ દાહોદ જિલ્લામાંથી આવેલ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


