EDITORIAL DESK – DAHOD
- હકક-દાવા અને વાંધા ૧૨ મી ફેબ્રુઆરી સુધી રજૂ કરી શકાશે.
- ૨૮ મી જાન્યુઆરી અને ૪ થી ફેબ્રુઆરીના રજાના બન્ને દિવસો એ સંબધિત મતદાન મથકોએ હકક-દાવા અને વાંધાઓ માટેની ખાસ ઝુંબેશ હાથ ધરાશે.
- નામ નોંધણી મતદાર ઓળખકાર્ડમાં ભૂલ નામ ફેરફાર કે રદ કરાવવાની કાર્યવાહી હાથ ધરાશે.
- મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૧૮ સંદર્ભે રાજકીય પક્ષો અને મીડિયા સાથે બેઠક – પત્રકાર પરિષદ યોજાઇ
ભારતના ચૂંટણી પંચ દ્રારા જાહેર કરેલ મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા. ૧/૧/૨૦૧૮ ની લાયકાતની તારીખમાં તા. ૨૨/૧/૨૦૧૮ થી શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમના સંદર્ભમાં જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે રાજકીય પક્ષો અને મીડિયા સાથે બેઠક અને પત્રકાર પરિષદ યોજાઇ હતી.
આ બેઠક અને પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારે જણાવ્યું હતું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાર અને મતદાનનો ખૂબ જ અગત્યનો ફાળો બની રહે છે. કોઇપણ ચૂંટણી નિષ્પક્ષ, પારદર્શક અને મુકત વાતાવરણમાં યોજાય તેવો ચૂંટણી પંચનો ઉદેશ રહેલો છે. ત્યારે દર વર્ષે મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ વર્ષના શુભારંભે યોજવામાં આવે છે.
ચાલુ વર્ષે ૧/૧/૨૦૧૮ ની લાયકાત ધરાવતા નવા યુવા/મતદારો પોતાના નામ નોંધાવી શકે અને મતદાર બને તદઉપરાંત મતદાર યાદીના નામ સાથે ઓળખપત્રમાં નામ, ઉંમર, સરનામામાં ભુલ હોય, નામ ફેરફાર કરવું હોય, મરણ પામેલા, સ્થળાંતર થયેલ, ગેર હાજર મતદારો નામ ચકાસણી વગેરે માટેનો કાર્યક્રમ તા. ૨૨/૧/૨૦૧૮ થી શરૂ થશે. આ માટેના હકક-દાવા અને વાંધા રજૂ કરવાનો સમયગાળો તા. ૨૨/૧/૨૦૧૮ થી તા. ૧૨/૨/૨૦૧૮ સુધીનો છે.
ભારતીય ચૂંટણી પંચે ખાસ ઝુંબેશના ભાગ રૂપે તા. ૨૮/૧/૨૦૧૮ રવિવાર અને તા. ૪/૨/૨૦૧૮ રવિવારની બન્ને રજાઓમાં સંબંધિત મતદાન મથકોએ હકક-દાવાઓ અને વાંધાઓ સ્વીકારવા બી.એલ.ઓ. આખો દિવસ ઉપસ્થિત રહી સ્વીકારશે રાજકીય પક્ષોએ નીમેલા બી.એલ.એ અને બી.એલ.ઓ. ઘર ઘર ફરી મતદાર યાદી અને ફોર્મની ચકાસણી કરશે. લાયકાત ધરાવતા નવા ઉમેદવારો અને વાંધા હકકદાવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્રારા નિયત થયેલા સમયગાળા દરમિયાન અને ખાસ ઝુંબેશ દરમિયાન સંબધિત મતદાન મથકના બુથ લેવલ ઓફિસર, મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓની કચેરીમાં પણ-હકક દાવા કરી શકશે. ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવશે. વધુમાં રાજકીય પક્ષો-અને મીડિયા આ કાર્યક્રમના પ્રચાર પ્રસારમાં સહયોગી બની લોકો સુધી સંદેશો પહોંચાડશે તો ચૂંટણી પંચનો મૂળભૂત હેતુ સાર્થક થશે તેમ શ્રી જે.રંજીથકુમારે જણાવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પી.એમ.પ્રજાપતિએ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૧૮ ની સંપૂર્ણ વિગતોથી રાજકીય પક્ષો અને મીડિયાને વાકેફ કરતાં જણાવ્યું હતું કે લાયકાત ધરાવતા નવિન મતદારોની નોંધણી ફોર્મ-૬ સાથે જરૂરી પૂરાવા રજૂ થયેથી ચકાસણી કરી દાખલ કરવામાં આવશે. મરણ પામેલા, સ્થળાંતર થયેલા, ગેરહાજર મતદારોના નામ ચકાસણી કરી કમી કરવામાં આવશે. નોંધાયેલા મતદારોના નામ, ઉંમર, સરનામા વગેરેની વિગતોમાં રહેલ ભુલો નિયત ફોર્મ જરૂરી પૂરાવા સાથે રજૂ થયેથી સુધારવામાં આવશે. ફોટોવાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી તા. ૧૨/૩/૨૦૧૮ ના રોજ કરવામાં આવશે.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એમ.નિનામા, ચૂંટણી મદદનીશશ્રી અતુલ જોષી (કાકાજી), જિલ્લાના મુદ્રિત અને વિજાણુ માધ્યમના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ચૂંટણી સ્ટાફગણ વગેરે ઉપસ્થિત રહયા હતા.