HIMANSHU PARMAR – DAHOD
સમગ્ર ગુજરાતની સાથે સાથે આજે દાહોદ જિલ્લામાં પણ SSC અને HSC બોર્ડની પરીક્ષાની શરૂઆત થઇ હતી ત્યારે સવારે 10.00 વાગે આજે ભાષાનું પેપર શરુ થાય તે પહેલા દાહોદ જિલ્લા પોલીસ વડા મનોજ નિનામા અને જિલ્લા વિકાસ અધિકારી સુજલ મયાત્રા તથા જિલ્લા શિક્ષણ અધિકારી નિનામા દાહોદ અનાજ મહાજન ગર્લ્સ હાઈસ્કૂલના સેન્ટર ઉપર ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ આપી અને મિશ્રી ખવડાવી શુભેચ્છા પાઠવી હતી. અને ત્યાર બાદ પોલીસ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની રીસીપ્ટની ચકાસણી કરી દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જયારે વાલીગણને કેન્દ્રમાં પ્રવેશવા દીધા ન હતા.
આજે વિદ્યાર્થીઓને વહેલા સેન્ટરમાં લેવામાં આવ્યા હતા તેનુ એક કારણ એ હતું કે ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષામાં પણ બાર કોડ સિસ્ટમ લાગુ કરવાની હતી. જેથી વિદ્યાર્થીઓને આ બાબતે સમજ આપવાની હોઈ પ્રવેશ વહેલો અપાયો હતો અને તંત્ર દ્વારા વાલીઓને સેન્ટરોથી દૂર રહેવા જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓ સ્ટ્રેસ મુક્ત રીતે પરીક્ષા આપે તેનું પૂરતું ધ્યાન સંચાલકે રાખવાનું ડીઈઓ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.