

દાહોદ જિલ્લામાં શિક્ષણ અને પાણી બાબતે અસરકારક કામગીરી થાય તો જિલ્લાની મોટાભાગની સમસ્યાઓ દૂર થશે તેમ જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠકમાં જણાવ્યું હતું. જિલ્લાના સિંચાઇ વિભાગના અધિકારીને સૂચના આપતા તેમણે જણાવ્યું હતું કે ‘પાણી બાબતે અગાઉથી નક્કર આયોજન ખૂબ જરૂરી છે. આપણો જિલ્લો ખેતીપ્રધાન હોય પાણી જ સમૃદ્ધિ ખેંચી લાવશે.’ તેમણે સુઝલામ સુફલામ યોજના અને ચેકડેમો માટે અગાઉથી આયોજન કરી લક્ષ્યાંકો સિદ્ધ કરવા જણાવ્યું હતું.

જિલ્લા સેવા સદનના ત્રીજા મજલે આવેલા સરદાર પટેલ સભાખંડના નવિનીકૃત સભાખંડનું આજે કલેક્ટર વિજય ખરાડીએ ઉદ્ધાટન પણ કર્યું હતું. આ સભાખંડમાં યોજાયેલી બેઠકમાં રાજય સરકારની જુદી જુદી કચેરીઓએ કરેલી કામગીરીનું કલેક્ટરશ્રીએ સમીક્ષા કરી હતી અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ કિસાન ક્રેડીટ કાર્ડ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે ૧૪ ફેબ્રુઆરી સુધીમાં ૧૦૫૦૦ જેટલા ફોર્મ સ્વીકારવામાં આવ્યાં છે. આ બાબતે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ દૈનિક લક્ષ્યાંક સાથે ઝડપભેર કામગીરી કરી લક્ષ્યાંક સિદ્ધ કરવા સૂચના આપી હતી. બેઠકમાં કલેક્ટર વિજય ખરાડીએ સી.એમ. ડેશબોર્ડ મુજબ વિવિધ વિભાગોના લક્ષ્યાંક સિદ્ધિ બાબતે પણ સમીક્ષા કરી હતી અને નિર્ધારિત સમયમર્યાદામાં લક્ષપાપ્તિ માટે સૂચના આપી હતી. ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, કૃષિ, રોજગાર, પશુપાલન, બાગાયત વગેરે વિભાગોની કામગીરીની પણ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. અધિકારીશ્રીઓને જિલ્લાના વિકાસ માટે અસરકારક અને નક્કર આયોજન કરવા તેમણે સૂચના આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.બી.બલાત, પ્રાયોજના વહીવટદાર નિનામા, આયોજન અધિકારી ગેલાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.