
- પરીક્ષા સમયે વિવેકપૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહે એ મુજબ અપાઈ સૂચના
- દાહોદમાં કુલ ૧૦ જેટલી શાળા – કોલેજોના કુલ ૯૪ બ્લોકમાં કુલ ૨૨૩૩ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે
દાહોદ જિલ્લા સેવા સદન, છાપરી ખાતે GPSC પરીક્ષા ને ધ્યાને રાખીને GPSC ચેરમેન હસમુખ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અન્વયે નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામા, શિક્ષણ નિરીક્ષક રાકેશ ભોકણ, પ્રાંત અધિકારી મિલિન્દ દવે સહિત સંબંધિત સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક અન્વયે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક કસોટી તારીખ ૪ જાન્યુઆરી, ૨૦૨૬ ના રવિવારના રોજ સવારે ૧૧ થી ૧ કલાક દરમ્યાન યોજાશે જે સંદર્ભે સંબંધિત સૌ અધિકારીઓને તેમજ પરીક્ષા સમય દરમ્યાન ફરજ બજાવતા અધિકારીઓને પરીક્ષાલક્ષી SOP ને ધ્યાને રાખીને પરીક્ષા નિયમનુસાર લેવાય, પ્રામાણિકતા અને વિવકપૂર્ણ પરીક્ષા પૂર્ણ થાય એ માટે વ્યવસ્થા કરવા જરૂરી માર્ગદર્શન સાહિત સૂચનાઓ આપવામાં આવી હતી.
દાહોદ તાલુકાની કુલ ૧૦ શાળા – કોલેજોને પરીક્ષા કેન્દ્રો તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં કુલ બ્લોક ૯૪ હશે. દાહોદ જિલ્લામાં આ પરીક્ષા આપનાર કુલ ૨૨૩૩ જેટલાં પરીક્ષાર્થીઓ પરીક્ષા અર્થે દાહોદ આવશે. આ તમામ બ્લોકમાં સીસીટીવી વ્યવસ્થા, પ્રાથમિક સેવા તરીકે પાણીની સુવિધા સહિત ઇમરજન્સી માટે આરોગ્ય ટીમ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. એ સાથે પરીક્ષા દરમ્યાન વીજળી વ્યવસ્થા ખોરવાય નહીં, પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે સરળતાથી પહોંચી શકે એ માટેની વ્યવસ્થા તેમજ જો પરીક્ષાર્થી દિવ્યાંગજન હોય તો એમના માટે પણ વહીવટી તંત્ર દ્વારા અલગથી એમની જરૂરિયાત મુજબ સેવા પુરી પાડવામાં આવશે.
પરીક્ષા માટે ઇન્વિજીલેટર, સુપરવાઈઝર, બ્લોક ફાળવણી તેમજ બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ પરીક્ષા દરમ્યાન પ્રશ્ન પેપરની ગુપ્તતા જળવાઈ રહે, સીસીટીવી પર સુપર વિઝન થતું રહે એ મુજબ પ્રમાણિકતા સાથે પરીક્ષા પૂર્ણ થાય એ માટેની તમામ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. આ દરમ્યાન નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલએ પરીક્ષાની ગંભીરતા ધ્યાને રાખીને કોઈપણ પ્રકારે પરીક્ષાની કોઈપણ પ્રક્રિયા દુષિત ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.


