THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

- હર ઘર સ્વદેશી અભિયાનમાં જોડાયા ગૂજરાત વિદ્યાપીઠના વિધાર્થીઓ
- દાહોદ જિલ્લામાં ગુંજ્યા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ના નારા
મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયોમાં ગ્રામ્ય સમાજ જીવનની પ્રાથમિકતા સાથે ગામડું, ખેતી, પશુપાલન, સ્વાવલંબન અને ગામપોષક વ્યવસાય તથા પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનો સમાવેશ થાય છે. આ ધ્યેયોની પરિપૂર્તિ માટે વિદ્યાપીઠના પૂર્વ કુલાધિપતિ મુરબ્બી નારાયણભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૦૭થી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો દર વર્ષે પદયાત્રા યોજતા હોય છે. વિદ્યાપીઠે ગત વર્ષે વર્તમાન કુલાધિપતિ અને ગુજરાત રાજ્યના રાજયપાલ માનનીય આચાર્ય દેવવ્રતજી માર્ગદર્શનમાં તેમના પ્રિય એવા પ્રાકૃતિક ખેતી વિષયને લઈને રાજ્યના ૧૬,૦૦૦ ગામમાં ત્રણ દિવસ ગામસંપર્ક અને ત્રણ દિવસીય પદયાત્રા એમ છ દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ વર્ષે ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેય અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને સ્વાવલંબી ગામ થકી સર્વાંગીણ વિકાસ તરફનું લક્ષ રાખી, ગૂજરાત વિદ્યાપીઠે આ વર્ષે સ્વદેશી, સ્વાવલંબન, સ્નાતક સંધ શતાબ્દી વર્ષની ઊજવણી, સરદાર સાર્ધ શતાબ્દી વર્ષની ઉજવણીના વિચાર – સંદેશ અને સ્વદેશી – સ્વાવલંબનના સંકલ્પો ઉદ્દેશ સાથે તારીખ ૧૦ થી ૧૫ નવેમ્બર દરમ્યાન છ દિવસની સ્વદેશી સ્વાવલંબન યાત્રાનું આયોજન ગૂજરાત વિધાપીઠના સમાજકાર્ય વિભાગના પ્રાધ્યાપક અને દાહોદ જિલ્લાના વતની બંકિમચંદ્ર વસૈયાના કો – ઓર્ડીનેશન સંકલન હેઠળ હાથ ધર્યુ હતું. સાથે સમગ્ર દાહોદ જિલ્લાની ગ્રામજીવન યાત્રા સફળતાપૂર્વક સંપન્ન બનાવી હતી.
આ ગ્રામજીવન યાત્રામાં ગૂજરાત વિદ્યાપીઠના આ વિધાર્થીઓ કે જેઓનું મૂળ વતન દાહોદ જિલ્લો છે, તેવા ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સેવકો ૧૦ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન દાહોદ જિલ્લામાં ૧૧ તાલુકાઓમાં જિલ્લાની કુલ ૪૫૦ થી વધુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મુલાકાતો કરી, આ શાળાઓના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષક મિત્રોની સાથે તેઓની ગ્રામજીવન યાત્રાના વિચાર – સંદેશ સાથે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મૂર્તિમંત કરવાના ભાગરૂપે લાખો વધુ વિદ્યાર્થીઓ સુધી સ્વદેશીનો સંકલ્પ વહેતો કર્યો. સાથે સમગ્ર દેશ, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી કરી હતી.


