દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ઇન્દોર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરને આજે ૨૪ વર્ષ પૂર્ણ થતાં ભક્તિભાવપૂર્વક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. આજથી બરાબર ૨૪ વર્ષ પહેલા તા.૧૮/૦૪/૧૯૯૮ ના રોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મસ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામી સાથે જ ગુણાતીત ગુરુપરંપરાની મૂર્તિઓનું સ્વહસ્તે સ્થાપન કરી મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગને આજે ૨૪ વર્ષ પૂર્ણ થતા દાહોદ BAPS સ્વામિનારાયણ મંદિરમાં પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ પાટોત્સવની ઉજવણીમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન અને આટલાદરા સ્વામિનારાયણ મંદિરના વડીલ સંત પૂ. રાજેશ્વર સ્વામી તથા વરિષ્ઠ સંત પૂ. દિવ્યસ્વરૂપ સ્વામી તથા ગોધરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂ. બ્રહ્મજીવન સ્વામીના સાનિધ્યમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે દાહોદના BAPS સ્વામિનારાયણ મંદિરે તા.૧૭/૦૪/૨૦૨૨ ને રવિવારના રોજ સાંજના ૦૫:૦૦ કલાકે મહાપુજા અને અન્નકૂટ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ભજન – કીર્તન, પૂજ્ય વડીલ સંતોના પ્રવચન અને ત્યારબાદ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વડીલ સંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શતાબ્દી મહોત્સવની સેવામાં જોડાવવા માટે હાજર સૌ હરિભક્તોને હાંકલ કરી હતી અને તે સંદર્ભે વિડિયોના માધ્યમથી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, અને પાટોત્સવની પૂર્ણાહુતિ સમયે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વચન વિડિયોના માધ્યમથી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ભોજન પ્રસાદિક સેવા કરવામાં આવી હતી. આ ઉત્સવની ઉજવણીમાં દાહોદ શહેર અને આજુબાજુના ગામોમાંથી તથા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પણ આજુબાજુના ગામોમાંથી અંદાજે ૧૫૦૦ જેટલા હરિભક્તોએ આ ઉત્સવ પ્રસંગનો લાભ લીધો હતો અને સંતોના આશિર્વાદ મેળવ્યા હતા.
આ સમગ્ર ઉત્સવનું માર્ગદર્શન તથા આયોજન દાહોદ BAPS સ્વામિનારાયણ મંદિરના સંત નિર્દેશક પૂજ્ય વેદપ્રિય સ્વામી તથા પૂજ્ય સંતદર્શન સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.