KEYURKUMAR PARMAR – DAHOD
- દેશના જુદા જુદા ૧૭ રાજયોના અંદાજીત ૮૦૦ બાળકો વિધાર્થીઓ યુવા યુવતીઓએ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો છે તથા કરાટે બાળકને સ્વરક્ષણ સહિત આત્મવિશ્વાસ વધારનારું ખૂબજ અગત્યનું અંગ કસરત સાથેનું માધ્યમ છે.
દરેક બાળકમાં પડેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે પ્રોત્સાહનની જરૂર છે.: કલેક્ટરશ્રી જે.રંજીથકુમાર
દાહોદ જિલ્લાન દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે દાહોદ ઓલ કરાટે એસોશિયેશન દાહોદ જિલ્લા-દાહોદ તથા વાડો-રયુ કરાટે ફેડરેશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે તા.૨૬ અને ૨૭ ઓગષ્ટ-૨૦૧૭ બે દિવસીય યોજાયેલ ૮મી સ્વતંત્ર રાષ્ટ્રીય ઓપન કરાટે ચેમ્પીયનશીપ-૨૦૧૭નો શુભારંભ જિલ્લા કલેક્ટરશ્રી જે.રંજીથકુમારના હસ્તે સેન્ટ મેરી સ્કૂલ, ગોદીરોડ, દાહોદ ખાતે કરવામાં આવ્યું હતો.
દીપપ્રાગટ્ય સાથે કરાટે સ્પર્ધાને ખુલ્લી મુકતા કલેક્ટરશ્રી જે.રંજીથકુમારે જણાવ્યુ હતુ કે કરાટે બાળકને સ્વરક્ષણ સહિત આત્મવિશ્વાસ વધારનારું ખૂબજ અગત્યનું અંગ કસરત સાથેનું માધ્યમ બની રહે છે. દરેક વ્યક્તિઓ કોઇને કોઇ વિશેષ શક્તિઓ પડેલ હોય છે. દરેક બાળકમાં પડેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે પ્રોત્સાહનની જરૂર છે. દિવ્યાંગ બાળક કે વ્યક્તિમાં તેની જે તે વિકલાંગતા સામે કુદરતે અન્ય શક્તિઓ આપેલી હોય છે. તેને હકારાત્મક વલણો સાથે શોધી કાઢવામાં આવે તો બાળકનો ચોક્કસ વિકાસ થઇ શકે છે. બાળકનું ઉજ્જવળ ભવિષ્ય બની શકે છે. તેનો નકારાત્મક રીતે જોવામાં આવે તો તેનો વિકાસ રૂંધાઇ શકે છે. માટે દરેક બાળક કે વિધાર્થી તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જવાબદારી વાલી અને શિક્ષક સહિત આપણી સૌની છે. દાહોદ જિલ્લા જેવા આદિવાસી વિસ્તારમાં કરાટે સંચાલકોએ અભિયાન હાથ ધર્યુ છે. જે આ વિસ્તારના આદિવાસી બાળકો-વિદ્યાર્થીઓ માટે આર્શિવાદરૂપ સાબિત થશે. તેમ જણાવતા કરાટે સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ કરાટે સ્પર્ધામાં ૭ વર્ષથી ૨૧ વર્ષ ઉપરની ઉંમરના દાહોદ જિલ્લા સહિત દેશના ૧૭ રાજ્યોના બાળકો, વિદ્યાર્થી યુવા/ યુવતીઓએ કરાટે સ્પર્ધાની અલગ અલગ કેટેગરીમાં કાતા અને કુમીતે એમ બે ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને અન્ય રાજયોના કરાટે સ્પર્ધકોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી મનોજ નિનામાના માર્ગદર્શન તથા દાહોદ સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ ચાલતી સ્વ-બચાવની તાલિમ પામેલ મહિલા અઘ્યપન મંદિર, ઝાલોદ અને L.L.G.R.S. લીમખેડાની બલિકાઓ તથા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બાલિકાઓ પણ ભાગ લઇ રહી છે.
આ કાર્યક્મમાં શાળાની નાનકડી વિધાર્થીની કુ.સમયુક્તા જે.રંજીથકુમારે કરાટેના કરતબો બતાવી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
આ કાર્યક્મમાં કરાટેની બ્લેક બેલ્ટની પરીક્ષામાં અવ્વલ નંબરે ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થી યુવક-યુવતીઓને કલેક્ટરશ્રીના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે દાહોદ જિલ્લામાં કરાટેનો વ્યાપ વધારનાર ઓલ કરાટે ઓસોશિયેશન દાહોદ જિલ્લા-દાહોદના પ્રમુખ અને મુખ્ય કોચશ્રી રાકેશ એલ ભાટીયાનું કલેક્ટરશ્રીએ પ્રમાણપત્ર આપી અભિવાદન કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટરશ્રી સુધીરભાઇ લાલપુરવાલા, નગરપાલિકા પ્રમુખ સુશ્રી સંયુક્તાબેન મોદી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનશ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ શહેર ભાજપા અગ્રણીશ્રી દિપેશ લાલપુરવાલા, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશ રાઠી, વોર્ડ નં. ૧ ના કાઉન્સિલરશ્રી લખન રાજગોર, સેન્ટ મેરી શાળાના સંચાલકશ્રી યેઝદી કોન્ટ્રાક્ટર, સેક્રેટરીશ્રી ઝુબીન કોન્ટ્રક્ટર, આચાર્ય શ્રીમતી ઇલાબેન શુક્લા, શાળાના શિક્ષક ગણ, દાહોદ જિલ્લા ઓલ કરાટે એસોશિયેશનના ઉપાધ્યક્ષશ્રી વિનોદ ખપેડ, ખજાનચી – કલ્પેશ ભાટીયા, જનરલ સેક્રેટરી અને સિનિયર કોચ શ્રી કેયુર પરમાર, સ્પર્ધકો, નગરજનો, વિધાર્થીઓ, વાલીઓ, નગરજનો વગેરે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.