દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના છાપરી ખાતે ગવર્નમેંટ પોલિટેકનીક કોલેજની પાછળ આવેલ “સ્નેહ સર્વાંગી વિકાસ ટ્રસ્ટ” સંચાલિત ગુરુકુલ વિદ્યાલયમાં તારીખ ૨૧/૦૨/૨૦૧૬ રવીવારના રોજ વાર્ષિક ઉત્સવ (Annual Day) ધામધૂમથી ઉજવવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ નગર સેવા સદનના પ્રમુખ સંયુક્તાબેન મોદી, અતિથિ વિશેષ તરીકે ગુરુકુલ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રીમતિ પૂજાબેન જૈન તથા કલ્પેશભાઇ જૈન હાજર રહ્યા હતા. આ તમામનું સ્વાગત ગુરુકુલ વિદ્યાલયના આચાર્ય નરેન્દ્રભાઈ જે. બારીયા તથા શિક્ષકો દ્વારા પુષ્પગુચ્છ (બુકે) આપીને કરવામાં આવ્યું હતું તથા નગર સેવા સદનના પ્રમુખ સંયુક્તાબેન મોદીને “સ્વચ્છ ભારત મિશન”ના નારા સાથેનો એક વિશિષ્ઠ મોમેન્ટો પણ શાળાના ટ્રસ્ટીશ્રીએ આપી બહુમાન કર્યું હતું. નગર પ્રમુખ સંયુક્તાબેન મોદીએ ગુરુકુલ વિદ્યાલયના ટ્રસ્ટી તેમના હાથ નીચે ભણી ચૂક્યા છે અને તેમના દ્વારા આ ગુરુકુલ વિદ્યાલય ચલાવવામાં આવે છે તેની જાણ થતાં તેઓ ભાવવિભોર બની ગયા હતા અને તેમણે કહ્યું હતું કે મારી આ સંસ્થાને ગમે ત્યારે ગમે તે રીતે સમયે જરૂર હોય તો હું મદદ કરવા હંમેશા તત્પર છું. ગુરુકુલ વિદ્યાલયના અંગ્રેજી અને ગુજરાતી એમ બંને માધ્યમના જુનિયર કે. જી. થી ધોરણ ૮ ના આશરે ૫૦ થી ૬૦ બાળકોએ વાર્ષિક ઉત્સવમાં કુલ ૨૦ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તેમાં જૂના નવા ગીતો પર ડાન્સ, ગરબા તથા “બેટી બચાઓ બેટી પઢાઓ” પર એક વિશિષ્ટ નાટક પણ રજૂ કર્યું હતું. તથા આ વાર્ષિક ઉત્સવનું મુખ્ય આકર્ષણ છેલ્લા ૩ માસથી શાળાના કરાટે કોચ કેયુર પરમાર પાસેથી કરાટેની તાલીમ લઈને તૈયાર થયેલ બાળકો દ્વારા કરાટેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શાળાના બાળકોને ધોરણ પ્રમાણે બેસ્ટ વિદ્યાર્થીને સ્ટુડન્ટ ઓફ ધ યરના એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. શાળામાં ભણતા બાળકોના માતપિતાએ પોતાનું બાળક સ્ટેજ પર જઈને ડાન્સ, ગરબા, નાટક અને કરાટે કરે છે તે જોઈને અતિ ઉત્સાહમાં આવી ગયા હતા અને પોતાની જગ્યા કાર્યક્રમ પૂરો ના થયો ત્યાં સુધી છોડી ન હતી. આ કાર્યક્રમને ઉત્સાહ અને ઉમંગ સાથે સફળ બનાવવા બદલ શાળાના ટ્રસ્ટીએ શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા તેમના માતપિતાનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.
HomeDahod - દાહોદદાહોદ ના "સ્નેહ સર્વાંગી વિકાસ ટ્રસ્ટ" સંચાલિત ગુરુકુલ વિદ્યાલય છાપરી ખાતે વાર્ષિક...