EDITORIAL DESK – DAHOD
બાળકના સર્વાંગી વિકાસ માટે ખેલકુદ મહત્વનો ભાગ ભજવે છે. રાજય સરકાર ખેલ મહાકુંભ અંતર્ગત ખેલાડીઓને દર વર્ષે રમતો પરત્વે પ્રોત્સાહિત કરવામાં આવે છે : રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ રાજયમંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી
રમત ગમત રાજયમંત્રીશ્રીએ સ્પોર્ટસ સંકુલ ખાતે સમર કોચીંગ કેમ્પ-૨૦૧૭ના ખેલાડીઓ સાથે વિચાર વિમર્શ કર્યો
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આવેલ સ્વ.મહારાજા જયદિપસિંહજી રમત ગમત સંકુલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતો માટે વર્ષોથી પ્રખ્યાત છે. રાજય સરકાર દ્ધારા સ્વીમીંગ, આર્ચરી, એથ્લેટીકસ, જુડો, હોકી, કુસ્તી જેવી રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી વિવિધ રમતોની સ્પર્ધાઓમાં ભાગ લેવા રાજયની ટીમોને મોકલી આપવામાં આવે છે. તે પૂર્વે દરેક જિલ્લાઓમાં જે તે રમતોની તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવે છે. આવી સ્પર્ધાઓમાં આશરે ૪૦૦ થી ૫૦૦ જેટલા ખેલાડીઓ (ભાઈઓ-બહેનો) ભાગ લેવા આવતા હોય છે. આવા ખેલાડીઓની નિવાસ વ્યવસ્થા અર્થે દેવગઢ બારીયા ખાતે નવી સ્પોર્ટસ હોસ્ટેલના નિર્માણ માટે રાજય સરકારશ્રી દ્ધારા બજેટમાં જોગવાઇ કરવામાં આવી હતી. દેવગઢ બારીયા ખાતે રુ.૬.૧૦ કરોડના ખર્ચે અધતન સુવિધા યુકત નવનિર્મિત હોસ્ટેલનું લોકાર્પણ રાજયના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિના રાજયમંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
સ્પોર્ટસ હોસ્ટેલની તથા સ્પોર્ટસ સંકુલની મુલાકાત લેતા રમત ગમત રાજયમંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલાડીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી.”રમશે ગુજરાત” ના સુત્ર હેઠળ વિવિધ રમતોના ખેલાડીઓને રમત ગમતના મેદાન પર લાવી તેઓની શક્તિઓને બહાર લાવવાનું કામ કર્યુ. ખેલાડીઓમાં ઉત્સાહ વધાર્યા. આજે છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં વસતા ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યુ છે. દાહોદ જિલ્લાના ખેલાડી ભાઈ-બહેનોએ આર્ચરીમાં મેડલો મેળવ્યા છે. સ્વ.મહારાજા જયદિપસિંહજી ખેલાડીઓને રમત ગમત પરત્વે પ્રોત્સાહિત કરતા હતા. તેમની રમતો પરત્વે ભાવનાનેશ્રી ત્રિવેદીએ બિરદાવી હતી.
રાજય મંત્રીએ જણાવ્યુ હતુ કે કોઇ પણ વ્યકિતના વિકાસ માટે યોગ-પ્રાણાયમ અને રમત ગમતોનું મહત્વનું પ્રદાન રહ્યુ છે.તંદુરસ્ત સમાજ હશે તો જે તે રાજયનો-દેશનો સર્વાંગી વિકાસ થવાનો જ છે. માટે હાર-જીત ઇર્ષ્યા વૃતિ ના રાખતા ખેલદિલીપૂર્વક જે તે રમતોનું કૌવત મેદાન પર બતાવવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમને વિવિધ રમતોના ખેલાડીઓ કોચ તરફથી અપાતી તાલિમ, સુવિધાઓ, પરત્વે પૃચ્છા કરતા રમતો વિશે ખેલાડીઓ પાસેથી જાણકારી મેળવી જરુરી સુચનો રાજયમંત્રીશ્રીએ કર્યા હતા.
દેવગઢબારીયાના નવનિર્મિત સ્પોર્ટસ હોસ્ટેલમાં જીમ્નેશિયમ માટેના ભોંયરૂ, ભોયતળિયા સહિત ચાર મજલી ૮૦ ખેલાડીઓની ક્ષમતાવાળા ડાયનીંગ હોલ, શુટ રુમ, બેડ રુમો, પુસ્તકાલય, કિચન રુમ, અધતન સુવિધાઓ હોસ્ટેલમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્ધારા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ પ્રસંગે સ્પોર્ટસ ઓફ ઓથોરીટી, ગુજરાત ડાયરેકટર જનરલશ્રી સંદિપ પ્રધાને સ્પોર્ટસ ઓથોરીટી અને DLLS ની વિગતો પુરી પાડતા નિવાસ ભોજન ખર્ચ, સ્પોર્ટસ ગણવેશ, રમતગમતના સાધનો, તાલીમ માટેનો ખર્ચ, વિના મુલ્યે શિક્ષણ, વિશિષ્ટ પૌષ્ટિક આહાર, સ્ટાઇપેન્ડ તથા વિમા કવચની સુરક્ષા વગેરે જેવા લાભો સરકારશ્રી દ્ધારા ખેલાડીઓને આપવામાં આવે છે તેની જાણકારી આપતાં સ્વાગત પ્રવચન કર્યુ હતુ.
આ પ્રસંગે એક્ષપર્ટ કોચ શ્રી અજીમોન દ્ધારા સમર કેમ્પ વિશે, કું.પ્રિયાંશી ભાદરે સમર કેમ્પના સંતોષજનક અનુભવો જણાવ્યા હતા.જયારે આભારવિધિ દેવગઢ બારીયા સિનિયર કોચશ્રી ડી.એસ.રાઠોરે કરી હતી.
જામનગરની ૮૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દ્ધિતિય ક્રમે આવેલી કુ.શ્રધ્ધા રજનીકાંત કથીરીયા કે જેની વર્લ્ડ સ્કુલ ઓફ ફ્રાન્સ ખાતે પસંદગી થઇ છે. તેને રાજયમંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતું.
આ મુલાકાત દરમિયાન ગાંધીનગર, ડી.એલ.એલ.એસ. ડાયરેકટરશ્રી એલ.પી.બારીયા, પ્રાંત અધિકારીશ્રી અજય દહીયા, મામલતદારશ્રી એમ.ડી.રાઠોડ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરલ ચૌધરી, કાર્યપાલક ઇજનેરશ્રી, અન્ય અધિકારીઓ, જુદી જુદી રમતોના કોચશ્રીઓ, નગરના અગ્રણીઓ, જુદા જુદા જિલ્લાના સમર કેમ્પમાં ભાગ લેવા આવેલા ખેલાડી ભાઈ-બહેનો – કોચશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.