THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- દાહોદના સરકારી અધિકારીઓને અનોખી શિક્ષા, બેઠકમાં મોડા આવે તો ૧૦ વૃક્ષો વાવવા પડે છે.
- બેઠકમાં મોડા આવવા બદલ કલેક્ટર વિજય ખરાડીએ કેટલાક અધિકારીઓને ૧૦ વૃક્ષો વાવી તેની તસવીરોના પૂરાવા આપવાની શિક્ષા કરી.
સમયબદ્ધતાએ સુંદર ચારિત્ર્યનો પાયાનો ગુણ છે અને ખાસ કરીને તમારી પાસે મહત્વપૂર્ણ દાયિત્વ કે પદ હોય તેવા સંજોગોમાં સમયાનુશાસન જનસામાન્યને અપેક્ષિત હોય છે. આ વાતની પ્રતીતિ કરાવવા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફરિયાદ અને સંકલનની બેઠકમાં મોડા આવનારા, ગેરહાજર રહેનારા કે પોતાના હસ્તકના ખાતાનું પ્રેઝેન્ટેશન રજૂ ન કરનારા અધિકારીઓને ૧૦ વૃક્ષો વાવવાની શિક્ષા કરવામાં આવે છે. આ નવતર પ્રયોગની પાછળ ફરિયાદ અને સંકલનની બેઠક છે. પ્રતિ માસના ત્રીજા શનિવારે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં મળતી ફરિયાદ અને સંકલનની બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની લોકહિતલક્ષી ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવે છે. તદ્દઉપરાંત રાજ્ય સરકારની તમામ કચેરીઓ દ્વારા જે તે માસ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. આ બેઠક મહત્વપૂર્ણ હોય છે. પરંતુ, ભૂતકાળમાં અનુભવો એવા થયા કે કેટલાક અધિકારીઓ ફરિયાદ અને સંકલનની બેઠકમાં મોડા આવે, માંગેલી વિગતો પૂરી પાડવામાં ન આવે કે બેઠકમાં ગેરહાજર રહેતા હોય છે. આવા કિસ્સામાં જિલ્લાના વડા તરીકે કલેક્ટર પાસે સત્તા હોય છે કે, આવા અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી શકે છે, નોટિસ આપી કારણો પૂછી, તેને ઠપકો આપી શકે છે. આવા અધિકારી સામે શિસ્તભંગના કાર્યવાહી કરવા સંબંધિત ખાતાના વડાને જણાવી શકે છે.
કલેક્ટર વિજય ખરાડીએ ઉક્ત બાબતમાં ઉમેર્યું કે, અધિકારીઓમાં સમયપાલનના ગુણો આવે તે માટે ઉપર મુજબની વહીવટી શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે પ્રકૃત્તિ સંરક્ષણ પ્રત્યેનું પ્રદાન વધે તે માટે ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે સમયાનુશાસન ન દાખનારા અધિકારીઓને ૧૦ વૃક્ષો વાવવાની શિક્ષા કરવામાં આવે છે. જુલાઇ – ૨૦૧૯ માસની બેઠકમાં મોડા આવનારા નવેક જેટલા અધિકારીઓને આવી શિક્ષા કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અધિકારીઓને વૃક્ષો મળી જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વૃક્ષો જે તે ઓફિસના પ્રાંગણમાં અનુકૂળ જગાએ વાવવાના હોય છે. જો ઓફિસમાં જગા ન હોય તો અનુકૂળ સ્થળે ૧૦ વૃક્ષો વાવી, તેની તસવીર ખેંચી કલેક્ટરને મોકલવાની રહે છે. સમયપાલન અને વૃક્ષારોપણ ઝૂંબેશની બાબતમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્રનું આ કદમ આવકારદાયક છે.