Editorial Desk
દાહોદ થી 70 કિમી દુર બુધવાર ના રોજ મધ્ય પ્રદેશના અમરગઢ પાસે અપ લાઇન ઉપર કામકાજ માટે બપોરે અઢી વાગ્યા થી 3.30 વાગ્યા સુધી બ્લોક રાખવામાં આવ્યો હતો. ત્યારે દાહોદ તરફ આવતી ગાડીઓ ડાઉન ટ્રેકથી ચલાવવામાં આવી રહી હતી. બપોરના 3.30 વાગ્યાના અરસામાં આ ડાઉન ટ્રેક ઉપરથી એક ગુડ્સ ટ્રેન પસાર થઇ રહી હતી. ત્યારે અમરગઢ અને પંચપીપલિયા વચ્ચે આ ટ્રેનના 5 ડબ્બા કોઈ કારણોસર પાટા ઉપરથી ઉતરી ગયું હતું. માલગાડી લાંબી હોવાને કારણે ડાઉન ટ્રેક સાથે અપ ટ્રેક પણ બંધ થઇ ગયો હતો. આ ઘટના પગલે દાહોદ તરફ આવતી દેહરાદુન એક્સપ્રેસને અમરગઢ આગળ રોકી દેવામાં આવી હતી. જ્યારે દિલ્હી તરફ જતી જમ્મુતવી એક્સપ્રેસને મેઘનગર રોકી દેવામાં આવી હતી. સાંજના સમયે દાહોદથી ઉજ્જૈન જતી મેમુ ટ્રેનને આ ઘટના પગલે કેન્સલ કરવાની જાહેરાત સાંજના 5.30 વાગ્યે કરવામાં આવી હતી. ત્યારે ટ્રેન ઉપડવાની રાહ જોઇને તેમાં સવાર થયેલા 1 હજારથી વધુ મુસાફરોમાં ખળભળાટ મચી ગયો હતો. ટ્રેન કેન્સલ થવાની ઘટનાથી મધ્ય પ્રદેશ તરફ જનારા મુસાફરો અટવાઇ પડ્યા હતાં. કેટલાંક મુસાફરોએ ટિકિટ રિફન્ડ મેળવવા માટે ટીકિટ બારી તરફ દોટ લગાવી હતી જ્યારે કેટલાંક મુસાફરો બસ સ્ટેન્ડ તરફ જતાં જોવા મળ્યા હતાં. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને પાછળ આવતી જનતામાં મુસાફરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે, દાહોદ શહેરથી મધ્ય પ્રદેશ તરફ જનારા કેટલાંક લોકોએ તો પોતાની યાત્રા કેન્સલ કરી નાખી હતી. બે કલાક બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત થતાં દેહરાદુન એક્સપ્રેસ નિયત સમય કરતાં દોઢ કલાક મોડી દાહોદ આવી હતી.