Faruk Patel – Sanjeli
અંગ્રેજ શાસન કાળમાં રેવાકાંઠા એજન્સીનું સૌથી નાનું સ્ટેટ એટલે સંજેલી સ્ટેટ. સોનગરા ચૌહાણના શાસકો મહારાજા પ્રતાપસિંહજી, પુષ્પસિંહજી અને નરેન્દ્રસિંહજીએ છેલ્લે – છેલ્લે આ સ્ટેટની ધુરા આઝાદી પહેલા સાંભળી હતી. સ્વ. મહારાજા નરેન્દ્રસિંહજીના સ્વર્ગવાસ પછી સંજેલી સ્ટેટના પ્રતીકો એવા દરબારગઢ, રામજી મંદિર, રત્નેશ્વર મહાદેવ મંદિર અને ધર્મશાળા ધ્વસ્ત થવાના આરે છે. સંજેલી સ્ટેટના હાલના વારીસોએ દરબારગઢ અને દરવાજો તોડી તેનું અસ્તિત્વ મિટાવી આખો દરબારગઢ વેચી રોકડી કરી લીધા બાદ હવે સંજેલીનું બસ્સો વર્ષ પુરાણું રામજી મંદિર પણ તોડી નાખી રોકડી કરી લેવાના મનસુબા ધરાવે છે.
દરબારગઢ માં આવેલું તેમની કુળદેવી આશાપુરામાતાનું પુજા સ્થાન પણ તેમણે તોડી નાખી રોકડી કરી લીધી ત્યારબાદ હવે તેને અડીને આવેલું પુરાણું રામજી મંદિર પણ તૂટવાના કગર પર છે. જેને લીધે ગામના હિન્દુઓમાં છુપો રોષ વ્યાપ્ત થયો છે. હિન્દુઓ આ મંદિરના રક્ષણ માટે બાબર પ્લેનનો પ્રતિકાર કરવાના મૂડમાં આવી ગયેલ છે.
રામજી મંદિર તોડવાનો રાજવી પરિવાર દ્વારા બાબર પ્લાન શરૂ થઈ ગયેલ છે. મંદિરના પુજારીએ બનાવેલ સંડાસ – બાથરૂમ, તુલસી કયારો અને પગલાની સમાધિ તોડી નાખેલ છે. સરકારી જમીનમાં આવેલ મહાકાય લીમડાના ઝાડને વેચવા મુકેલ છે. આમ આ મંદિર સામે ભયંકર જોખમ તોળાઈ રહ્યું છે. આ મંદિર સરકારશ્રીના દફતરે દેવસ્થાન તરીકે નોંધાયેલ છે. અને તેનો નિભાવ ખર્ચ સરકાર પૂજારીને ચૂકવે છે.
સત્તાવાળાઓ આ બાબર પ્લાનને રોકવામાં આંખ આડા કાન કરશે તો ગામમાં ભયંકર અશાંતિ અને કાયદા વ્યવસ્થા કથળે તેવી પૂરે પૂરી શક્યતા છે. આ બાબતે સંજેલી મામલતદાર એ.આર.ડામોરને ગ્રામજનો દ્વારા આ બાબતે આજ રોજ તારીખ ૧૯/૧૦/૨૦૧૬ ના રોજ આશરે સાંજના પાંચ વાગ્યે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.