
- સીમાડાની સુરક્ષા હોય કે આંતરિક સુરક્ષા હોય આપણો પોલીસ વિભાગ કદી પાછો પડતો નથી – રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ
- મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અનેકો વિકાસના કામો થઇ રહ્યા છે. જેમાં નવીન પોલીસ આવાસો બનવા એ મહત્વનું પગલું છે – પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ગુજરાત રાજ્યના નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી રાજ્યમંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે જેસાવાડા અને ધાનપુર તાલુકાના પોલીસ આવાસો કક્ષા બી – ૧૬ (જી+૩) અને સી – ૦૧ આવાસોના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રાજ્ય મંત્રી કમલેશ પટેલના આગમન સમયે આદિવાસીઓના પારંપારિક વસ્ત્રોથી સજ્જ અને આદિવાસી નૃત્ય કરતા જઈને ઢોલ – નગારા અને શરણાઈના નાદથી રાજ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. એ સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે ગુલદસ્તા અને પુષ્પ વડે રાજ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી કમલેશ પટેલ દ્વારા ધાનપુર તાલુકામાં નવીન બનનારા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરીને ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે તેમજ સૌ મહાનુભાવોની ઉપસ્થિતિ હેઠળ પોલીસ આવાસોના બાંધકામની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ દરમ્યાન દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા એ શાબ્દિક સ્વાગત પ્રવચન આપતાં કહ્યું હતું કે, આપણો પોલીસ વિભાગ દેશ અને સમાજમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે સતર્ક રહે છે. ૨૪ કલાક પ્રજાની સેવાર્થે પોલીસ વિભાગ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. દેશ અને સમાજના વિકાસમાં પોલીસ વિભાગનો રોલ મહત્વનો રહ્યો છે. પ્રજાની સુખાકારી-સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સુસજ્જ હોય તે જરૂરી છે. પોલીસ પરિવારને પણ સુરક્ષિત અને સુવિધાયુક્ત આવાસો મળી રહે એ માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અનેકો વિકાસના કામો થઇ રહ્યા છે. જેમાં નવીન પોલીસ આવાસો બનવા એ મહત્વનું પગલું છે.
આ કાર્યક્રમ દરમ્યાન પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં અને ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા નિર્મિત થનાર પોલીસ આવાસો માટે પોલીસ પરિવારને શુભેચ્છાઓ પાઠવતાં રાજ્યમંત્રી કમલેશ પટેલ એ કહ્યું હતું કે, આપણું ગુજરાત એ ૧૬૦૦ કિમીના દરિયા કિનારે આવેલું છે. બોર્ડર પર હોવાના કારણે પોલીસ વિભાગની કામગીરી અને જવાબદારી વધી જાય છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ પોલીસ પરિવારોની ચિંતા કરીને એમના રહેઠાણને મજબૂત અને અધ્યતન કરવા માટે ક્ટિબદ્ધ બની છે. એમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત અને સમાજમાં શાંતિ અને સલામતી ત્યારે જ શક્ય હશે જયારે પોલીસ વિભાગ ને પણ અધ્યતન સુવિધાઓ મળે અને એમનો પરિવાર સુરક્ષિત રહેશે. સીમાડાની સુરક્ષા હોય કે આંતરિક સુરક્ષા હોય આપણો પોલીસ વિભાગ કદી પાછો પડતો નથી. એ સાથે રાજ્યમંત્રીએ સરકારની વિવિધ યોજનાઓ અંગે વિગતવાર જાણકારી આપી હતી.
કાર્યક્રમના અંતે દાહોદ DYSP જે.પી. ભંડારીએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ભાજપા પ્રમુખ સ્નેહલ ધરીયા, સંગઠન મંત્રી શંકરભાઈ અમલીયાર, દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, કારોબારી અધ્યક્ષ, પોલીસ અધિકારીઓ, વિવિધ ગામોના સરપંચો, વડીલો, આગેવાનો, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખ-સભ્યો સહિત અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


