ભારત સરકારના આયુષ મંત્રાલયના રાષ્ટ્રીય ઔષધી વનસ્પતિ બોર્ડ, નવી દિલ્હી ના સહયોગથી ભવન્સ શેઠ આર.એ. કોલેજ ઑફ સાયન્સ દ્વારા “રાષ્ટ્રીય અભિયાન – અશ્વગંધા” અંતર્ગત એક દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન એન.એમ. સદગુરૂ ફાઉન્ડેશન, ચોસાલા, દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. જિતેન્દ્રકુમાર વૈશ્ય (આયુષ મંત્રાલય, નવી દિલ્હી) ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય વક્તાઓ તરીકે ડૉ. મનીષ પુરી ગોસ્વામી (ઝંડુ ફાઉન્ડેશન ફોર હેલ્થ એન્ડ કેર, ભોપાલ), જય મોહન (જસ નેચરલ પ્રા. લિ.) તથા મદન વિશ્વકર્મા (મેનેજિંગ ડિરેક્ટર, અક્ષાંશ હર્બલ્સ, ભોપાલ) હાજર રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે ભારતીય વિદ્યાભવનના ચેરમેન ડૉ. મુકેશ એસ. પટેલ અને ભવન્સ સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. એચ. એમ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ રાષ્ટ્રીય કાર્યશાળાનો મુખ્ય હેતુ દાહોદ–પંચમહાલ જેવા અંતરિયાળ આદિવાસી જિલ્લાઓના ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા નાગરિકોને અશ્વગંધાના ઔષધીય ઉપયોગો, તેના દૈનિક જીવનમાં તેમજ તેની ખેતી વિશે વૈજ્ઞાનિક અને વ્યવહારુ માહિતી પ્રદાન કરવાનો હતો. ભોપાલથી આવેલા નિષ્ણાતોએ ઔષધીય વનસ્પતિઓ તથા તેની ઉપજના વેચાણ અને માર્કેટિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા “રાષ્ટ્રીય અભિયાન – અશ્વગંધા” અંગેની માહિતી મુખ્ય મહેમાન ડૉ. જિતેન્દ્ર કુમાર વૈશ્ય દ્વારા આપવામાં આવી હતી. ભારતીય વિદ્યાભવનના ચેરમેન ડૉ. મુકેશ પટેલે ખેડૂતોને ઔષધીય ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. ડૉ. એચ. એમ. પટેલે ભવન્સ કોલેજ, અમદાવાદ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને ઔષધીય ખેતી તરફ વાળવા અને જાગૃત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવશે.
આ કાર્યશાળામાં ગુજરાતના દાહોદ, પંચમહાલ તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળા દરમિયાન ખેડૂતોને અશ્વગંધાના છોડ, બીયારણના પેકેટ તેમજ અશ્વગંધાની ખેતી વિષયક માહિતી પુસ્તિકાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો અને ખેડૂત મિત્રો નવી પાક તરીકે અશ્વગંધાની ખેતી અંગે ઉપયોગી માહિતી મેળવીને પરત ફર્યા હતા. આ સમગ્ર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન મુખ્ય પ્રોજેક્ટ ઇન્ચાર્જ ડૉ. સતીશકુમાર ખડિયા તથા ડૉ. ફાલ્ગુની જી. ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું.


