EDITORIAL DESK – DAHOD
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ- ૨૦૦૩ અંતર્ગત જિલ્લા કક્ષાની સમિતીની બેઠક ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલકુમાર મયાત્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથીશ્રી સુજલકુમાર મયાત્રાએ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ- ૨૦૦૩ અન્વયે શાળાઓમાં જાગૃત્તિ કાર્યક્રમો વધુને વધુ થવા જોઇએ. શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ પ્રતિબંધિત વિસ્તારના લખાણો ઝુંબેશના ધોરણે ડિસ્પ્લે થાય તે જરૂરી છે. આવા તત્વો સામે શિક્ષાત્મક/ દંડાત્મક કાર્યવાહી થવી જરૂરી છે. શિક્ષકગણ દ્વારા વર્ગ ખંડોમાં તમાકુથી થતા નુકશાન સંદર્ભે સતત વિધાર્થીઓમાં જાગૃત્તિ આવે તેવા પ્રયાસો હાથ ધરવા ખાસ સૂચનો કર્યા હતા. તમામ સરકારી સંસ્થાઓ અને વિભાગોના વડાઓ દ્વારા પરિસરમાં તમાકુ નિયંત્રણના અધિનિયમના ભંગ બદલ દંડ વસુલાત અંગેની કામગીરીમાં સક્રિય રસ લેવા સૌને તાકીદ કરી હતી. પોલિસ વિભાગ દ્વારા આ કામગીરીનો કડક અમલ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એમ.ખાંટે જણાવ્યુ હતુ કે શાળા કોલેજના બાળકો – વિધાર્થીઓ અને ગરીબ, આદિવાસી, પછાત લોકોના જીવનને નષ્ટ કરતું આ વ્યસન છે. તે માટે ગંભીરતાપૂર્વક કડક હાથે વેચાણ કરતા તત્વોને ડામવા સહિયારા પ્રયાસો હાથ ધરવા સાથે દંડાત્મક કાર્યવાહી કરવા ઝુંબેશના ધોરણે સંકલનમાં રહી તમામ વિભાગો પોતાની ફરજો અદા કરે તેવી તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના ઇ.એમ.ઓ. ર્ડા. દિલીપ પટેલે સમગ્ર બેઠકનું સંચાલન કરતાં જણાવ્યું હતું કે મહિલાઓમાં વ્યસનની ટેવ ખૂબજ હાનિકારક છે. તે માટે સંકલિત બાળ વિકાસ યોજનાની બહેનો અને મહિલા મંડળો જાગૃત્તિ માટે ઝુંબેશના ધોરણે કાર્યવાહી કરે તે જરૂરી છે. આ ધારાના ભંગ અને દંડ વસુલાતમાં સોંપાયેલ કામગીરીમાં જુદા જુદા વિભાગોનો નહિવત ફાળો અને અમુક વિભાગોએ શુન્ય કામગરી કરવા બદલ ર્ડા. પટેલે ખેદ વ્યક્ત કરતાં આ કામગરીને સંવેદના સાથે ઝુંબેશના ધોરણે હાથ ધરાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ માહે જાન્યુઆરી, ૨૦૧૫ થી માહે ડિસેમ્બર, ૨૦૧૭ દરમિયાન કુલ ₹ ૩,૭૧,૬૨૦/- નો દંડ વસુલાયો છે.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. વી.એચ. પાઠક, આર.સી.એચ.ઓ.ર્ડા. એસ.એન.ગોસાઇ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રીઓ-કર્મચારીઓ, નગરપાલિકાના પ્રતિનિધિઓ, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.