NILESH MODI VALSAD
વલસાડ જીલ્લામાં સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ કરવામાં આવી રહી છે. તેના ભાગ રૂપે વલસાડ જીલ્લાના ગામોમાં લાયઝન અધિકારી, તલાટી તેમજ સરપંચોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા રેલી યોજવા ઉપરાંત સામૂહિક ગ્રામ સફાઈ કરવામાં આવી હત. યોજાયેલી રેલીમાં ગામોમાં ખુલ્લામાં શૌચક્રિયા ન કરી શૌચાલય બનાવવા, સ્વચ્છતાલક્ષી સૂત્રોચ્ચાર, બેનરો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. આ અભિયાનમાં વિવિધ ગામોની આંગણવાડીઓમાં સફાઈ કામગીરી તેમજ શૌચાલય વગરના ઘરોમાં શૌચાલય બાંધકામની પ્રવૃત્તિઓ પણ હાથ ધરાઇ હતી. સ્વચ્છતા જાગૃતિ માટે રાત્રિ દરમિયાન કપરાડા તાલુકાનાં સુથારપાડા તેમજ વાપી તાલુકાનાં બલીઠા ગામો સહિત વિવિધ ગામોમાં ભવાઈના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ સ્વચ્છ ભારતના નિર્માણમાં સહયોગ આપી પ્રભાતફેરી અને નાટકો થકી સ્વચ્છતાનો સંદેશો ફેલાવ્યો હતો. શાળાના બાળકો અને ગ્રામજનોએ પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છતા માટે પ્રતિજ્ઞા લીધી હતી.