સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા નગરજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કરાયો
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાહોદ ખાતે આવી પહોંચતા નગરજનો અને મહાનુભાવો દ્વારા વાજતે ગાજતે કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના માધ્યમથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડી પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને લાભ આપવાનો છે. સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે દાહોદ જિલ્લામાં વિકાસ યાત્રાના રથો ગામેગામ ભ્રમણ કરી રહ્યા છે. આ રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી ઘર આંગણે જ લાભાન્વિત કરાઈ રહ્યા છે.
દાહોદમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘર આંગણે જ મળી રહે તેવા હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગેરન્ટી રૂપી રથ આવી પહોંચ્યો છે. આ તકે સાંસદ જશવંતસિંહ ભાભોરે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની જાણકારી આપી નગરજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ નગરજનોને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભોથી વાકેફ કરાવતા જણાવ્યું હતું કે, આપણા સમાજ અને ગામના લોકોને વિવિધ યોજનાઓના લાભો મળી રહે તથા નગરજનોનો વિકાસ થાય તે માટે અને તમામનગરજનોને ૨૦૪૭ સુધીમાં ભારત દેશને વિકસિત ભારત બનાવવાના કાર્યમાં સહભાગી થાય એ હેતુથી આ રથ યાત્રા આપણા ઘર આંગણે આવી છે.જેનો સૌ કોઇએ લાભ લેવો જોઇએ.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા સૌ લોકોએ વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ એ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા ચીફ ઓફીસર યશપાલસિંહ વાઘેલા,નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન, નગરપાલિકાના કાઉન્સિલરો સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.