

નવસારી જીલ્લામાં કુપોષણ પ્રશ્નો હલ કરવા નવસારી વીરવાડી ખાતેના હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વધુ ૫૮ આંગણવાડીને દત્તક લેવા તથા આંગણવાડીના બાળકોને કુપોષણમાથી મુક્ત કરવા સહયોગી દાતાઓને અભિવાદન કાર્યક્રમ રામજી મંદિર ખાતે રાજ્યના સહકર મંત્રી ઈશ્વરસિંહ પટેલ અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
કુપોષણ નિવારણ માટે ટ્રસ્ટને સહયોગ આપનાર દાતાઓને બિરદાવતા રાજ્યના સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજયભરમાં કુપોષણ દૂર કરવા પગલાં લીધા છે. છતાં પણ અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારમાં કુપોષણનું પ્રમાણ વધુ જોવા મળતા આ પ્રશ્ન હલ કરવા સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે ત્યારે આવી સંસ્થાઓને સમાજના દાતાઓએ પણ સહયોગ આપી આપની ભાવિ પેઢીને પાયમથી મજબૂત કરવા અનુરોધ કર્યો હતો.
મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતું કે નવસારી જીલ્લામાં અનેક રેકોર્ડ સાર કર્યા છે. ત્યારે હાલમાં ૨ ટકા જેટલો કુપોષણ દર ઘટાડી કુપોષણ મુક્ત જિલ્લો બનાવવા આંગણવાદીની બહેનો પણ આ કાર્યમાં પૂરતો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઇએ જણાવ્યુ હતું કે વિરવાડી હનુમાનજી ટ્રસ્ટ એક રચનાત્મક અભિગમ વિચાર સાથે ખૂબ સારું કર્યા કરી રહ્યું છે. રાજ્ય સરકાર સાથે સેવાકીય સંસ્થાના સહકારથી જિલ્લાનો કુપોષણ દર ઘટ્યો છે.
વરાછા બેંકના કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યુ હતું કે આ સંસ્થા પાયાનું કાર્ય હાથ ધર્યું છે. અલ્પપોષણનો મુદ્દો દેશને સતાવી રહ્યો છે. દેશના ૩૭ ટકા બાળકો અલ્પપોષણથી પીડાય છે. આપની આવનારી પેઢીને નુકશાન થઈ રહ્યું છે. એ માટે સૌએ જાગૃત થવું જોઇયે. આ સંસ્થાએ નવસારી જીલ્લામાં પહેલ કરી છે. જેમાં આંગણવાડીની બહેનોએ પણ સેવાકાર્યમાં સહયોગ મળતા તેને ધારી સફળતા મળી છે.
વીરવાડી હનુમાનજી ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ધોરાજીયાએ જણાવ્યુ હતું કે ટ્રસ્ટનાં ૧૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. દર શનિવારે ભંડારામાં ૮૦૦ થી ૧૦૦૦ વ્યક્તિઓ ભોજન કરે છે. ૭ વર્ષ થી હોસ્પિટલમાં દર્દીઓને બે ટાઈમ ભોજન વ્યવસ્થા કરી છે. કુપોષણ નિવારવા પહેલા ૫૩ આંગણવાડી દત્તક લીધી હતી અને આજે ૫૮ આંગણવાડીનો સમાવેશ કરી બાળકોને જરૂરી પોષણ અપાઈ રહ્યું છે. એક આંગણવાડી દીઠ ૧૫૦૦૦ રૂપિયા ખર્ચાયા છે. નવસારી જિલ્લામાં જાન્યુઆરી – ૨૦૧૭ સુધીમાં ૨૨૫ આંગણવાડી દત્તક લેવાનું આયોજન હાથ ધરાયું છે.
જિલ્લા આરોગ્ય વિભાગના ડો. જૈને આ પ્રસંગે જણાવ્યુ હતું કે જિલ્લાના કુપોષણ દર ૭ ટકા હતો આજે એ ઘટીને ૨ ટકા રહ્યો છે. કુપોષણ દર ઘટાડવામાં નવસારી જિલ્લો મોખરે રહ્યો છે.
આ પ્રસંગે ગુજરાત સફાઈ કામદાર વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ સુરેશભાઇ મકવાણા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રદીપ જૈન, નવસારી નગર પાલિકા પ્રમુખ શ્રીમતી અલ્કાબેન દેસાઇ, વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેમાબેન ભંડારી, જિલ્લાના અગ્રણી બાબુભાઇ જીરાવાલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન માધુભાઇ કથીરિયા, જિલ્લા પંચાયત મહિલા બાલ વિકાસ ચેરમેન શ્રીમતી શિલ્પાબેન, શ્રીમતી ચેતનાબેન બિરલા, અશોકભાઇ ગજેરા, ટ્રસ્ટીઓ, દાતાઓ, આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પ્રા.જશુભાઇ નાયકે કર્યું હતું.