બહુચર્ચિત નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન (એનટીસી)ના રૂ. ૭૦૯ કરોડના જમીન કૌભાંડમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તપાસ એજન્સી સીબીઆઇના સકંજામાં આવી ગયા છે ત્યારે તેમણે બિન્દાસ્ત જણાવ્યું છે કે, તેઓ ધરપકડ વહોરવા તૈયાર છે. શંકરસિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેઓ આ જમીન કૌભાંડના કેસમાં આગોતરા જામીન અરજી નહીં કરે.
વી ટીવી ન્યૂઝ ચેનલને આપેલી એક ખાસ મુલાકાતમાં શંકરસિંહ વાઘેલાએ ખુલીને વાત કરી હતી. જમીન કૌભાંડ વિવાદ બાદ શંકરસિંહની આ પહેલી ખાસ મુલાકાત છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી આ ઇન્કવાયરી અને દરોડાની કાર્યવાહી થઇ હોવાની વાતને રદિયો આપ્યો હતો. તેમણે એનટીસી જમીન કૌભાંડ મામલે જણાવ્યું હતું કે, તપાસ એજન્સી સીબીઆઇએ તેમને જણાવ્યું છે કે આ રૂિટન ઇન્કવાયરી જ છે. પ્રાઇમરી ઇન્વેિસ્ટગેશનમાં કાંઇ મળે પછી જ અન્ય પગલાં લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની યુપીએ સરકારમાં શંકરસિંહ વાઘેલા કાપડ પ્રધાન હતા ત્યારે એનટીસીની જમીનનું આ કૌભાંડ થયું હોવાનું કહેવાય છે. બુધવારે વહેલી સવારે વાઘેલાના ગાંધીનગર નજીક આવેલા નિવાસસ્થાન પર સીબીઆઇની ટીમે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
શંકરસિંહે તેમની મુલાકાત જણાવ્યું હતું કે, તેમની જિંદગી ખૂલ્લી કિતાબ જેવી છે. સીબીઆઇને દરોડા દરિમયાન તેમને ત્યાંથી અનઅધિકૃત કહી શકાય તેવું કાંઇ પણ મળ્યું નથી. મને એ સમજાતું નથી કે સીબીઆઇવાળા આ ૧૭૦૦ કરોડનો આંકડો ક્યાંથી લાવ્યા છે.
વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, હું સંપૂર્ણ નિર્દોષ છું. મને રાજકીય કિન્નાખોરીના કારણે ફસાવવામાં આવ્યો હોય તેવું બની શકે છે. જો કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇશારે આ કાર્યવાહી થઇ હોવાની વાતને નકારી કાઢી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સી સીબીઆઇ એનટીસી જમીન કૌભાંડ મામલે શંકરસિંહ વાઘેલાને પૂછપરછ માટે બોલાવે તેવી શક્યતા સેવાઇ રહી છે. આ કેસમાં વાઘેલાની ધરપકડના ભણકારા પણ વાગી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે બાપુએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લે સુધી ન્યાયની લડાઇ લડી લેવા તૈયાર છે. તેમણે કહ્યું કે, હું ભાજપમાં હતો ત્યારે પણ ભ્રષ્ટાચારથી મુક્ત હતો અને આજે કોંગ્રેસમાં છું ત્યારે પણ ભ્રષ્ટાચાર સાથે મારે કોઇ સંબંધ નથી.
આક્રમક વલણ અપનાવતાં શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હું કેસમાં ધરપકડ વહોરવા તૈયાર છું પરંતુ હું આગોતરા જામીન અરજી નહીં કરું.