દાહોદ શહેરમાં આગામી દિવસોમાં આવનાર બકરી ઈદ પર્વને લઈને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસના પ્રયાસો રહેતા હોય છે અને તે અંતર્ગત દરેક તહેવારોને લઈને પોલીસ વિવિધ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકો યોજે છે. આગામી 29 મી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો પર્વ આવતો હોઈ અને તે તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે “A” ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ દ્વારા વિવિધ ધર્મોના આગેવાનો તેમજ અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં દાહોદ “A” ડિવિઝનના પી.આઇ. કિરીટ લાઠીયાએ મુસ્લિમ સમાજના આગેવાનોને જણાવ્યું હતું કે બકરી ઈદના પર્વમાં કોઈ પણ સમાજની ધાર્મિક લાગણી ન દુભાય અને મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં બકરી ઇદના પર્વની ઉજવણી કરવામાં આવે તેમજ પ્રતિબંધિત જાનવરોની કુરબાની કરવામાં ન આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. અને જો તેમ કરવામાં આવશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું અને વિવિધ ધર્મના અગ્રણીઓએ પણ પોલીસ સમક્ષ અલગ અલગ સવાલો કર્યા હતા અને તેના સંદર્ભમાં પોલીસે જવાબ આપી જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે દિશામાં પોલીસ દ્વારા તમામ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે અને તેને લઈને વિવિધ ધર્મોના આગેવાનો જોડે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી