NILESH MODI VALSAD
મહેનત, કાર્યકુશળતા અને નિષ્ઠાથી નોકરી કરી પોતાની આગવી ઓળખ ઊભી કરવા જણાવતા કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવિયા. રાજયકક્ષાના કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવિયાએ સીપેટ વલસાડની લીધી મુલાકાત
ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શિપીંગ અને કેમીકલ્સ અને ફર્ટીલાઇઝર વિભાગના રાજયકક્ષાના કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવિયાએ આજે વલસાડ ધરમપુર ચોકડી ખાતે કાર્યરત ભારત સરકાર અને રાજયના વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કાર્યરત સીપેટ ઇન્સ્ટીટયુટની મુલાકાત લીધી હતી. આ અવસરે જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર બી.સી.ચુડાસમા હાજર રહયા હતા.
મંત્રી મનસુખભાઇ માંડવીયાએ સીપેટની મુલાકાત અવસરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ‘મેઇક ઇન ઇન્ડીયા’ યોજના હેઠળ રાજય અને દેશમાં અનેક નોકરીના દ્વારો ખુલ્યા છે. ત્યારે સીપેટ સંસ્થામાં તાલીમ પામેલા તાલીમાર્થીઓને ચાલુ અભ્યાસે જ કંપનીઓ નોકરીની ઓફરો કરી રહી છે. તાલીમાર્થીઓને પોતાની મહેનત, કાર્યકુશળતા અને નિષ્ઠાથી નોકરી કરી પોતાની આગવી ઓળખ ઊભી કરવા જણાવ્યું હતું.
આગામી સમયમાં વલસાડ જિલ્લામાં સીપેટભવન બનાવવા માટેનું આયોજન કરવામાં આવી રહયું છે. જેમાં વિદ્યાર્થીઓને વિશેષ સુવિધાયુક્ત તાલીમ મળી રહેશે. આદિવાસી વિદ્યાર્થીઓને વિનામુલ્યે તાલીમ આપી નોકરી પ્રાપ્ત કરી શકશે.
ઉલ્લેખનીય છે કે આજદિન સુધીમાં ૭૭૭ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. જેમાં ૭૬૦ તાલીમાર્થીઓને નોકરી પ્રાપ્ત થઇ છે. આ અવસરે મંત્રી મનસુખભાઇ માંડવિયાએ સીપેટ ઇન્સ્ટીટયુટની મુલાકાત લઇ જાતે માહિતી મેળવી હતી. આ બાબતે સીપેટ ઇન્સ્ટીટયુટના સંચાલક દ્વારા સમગ્ર માહિતી પુરી પાડવામાં આવી હતી.