સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવાથી હજી પણ જે નાગરિકો બાકાત રહી ગયા છે તેમને ઘર આંગણે આવીને છેવાડાના માનવીને પણ લાભાન્વિત કરી શકાય મંત્રી એ. નારાયણસ્વામી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વડાપ્રધાન એ દેશવ્યાપી પ્રારંભ ગત તા. ૧૫મી નવેમ્બરે કરાવ્યો હતો. ત્યારથી દાહોદ જિલ્લામાં પણ આ યાત્રા ગામેગામ પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રા ઝાલોદ તાલુકાની રૂપાખેડા ગામે ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્યમંત્રી એ.નારાયણસ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય થકી ખૂલ્લો મૂકાયો હતો.
આ પ્રસંગે મંત્રી એ. નારાયણસ્વામીએ જણાવ્યું કે, આ સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવાથી હજી પણ જે નાગરિકો બાકાત રહી ગયા છે તેમને ઘર આંગણે આવીને છેવાડાના માનવીને પણ લાભાન્વિત કરી શકાય. આજે દેશ વિવિધ ક્ષેત્રોમાં સફળતાની ઉંચાઈઓ સર કરી દુનિયામાં ડંકો વગાડી રહ્યો છે. છેવાડાના માનવીની સુખાકારીની ચિંતા કરતી રાજ્ય અને કેન્દ્રની સરકાર ગરીબ પરિવારોને પોતાના પાકા ઘરનું સપનું સાકાર કરવા આવાસ યોજના થકી લાભ પૂરા પાડી લોકોને નિશ્ચિંત જીવન જીવવાની તક પૂરી પાડી રહી છે.
મંત્રી એ. નારાયણસ્વામીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશાં સહી પોષણ, દેશ રોશનની દિશામાં કામ કરી રહ્યા છે, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ આજ દિશામાં કાર્ય કરી રહી છે. સરકારની પોષણ સુધા યોજનાના માધ્યમથી કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણા શક્તિનો દર મહિને આંગણવાડી કાર્યકર બહેનો પુરૂં પાડી રહ્યા છે. બેટી બચાવો, બેટી પઢાવોના સૂત્ર સાથે દેશને સશક્ત બનાવવાની દિશામાં કાર્ય કરવા સૌ પહેલાં નાની વયે દિકરીના થતાં લગ્ન અટકાવી તેને શિક્ષણની યોગ્ય તક આપી શારીરિક રીતે સક્ષમતા બની અને દિકરી પોતે સક્ષમ હશે તો જ માતૃત્વ ધારણ કરી સશક્ત બાળકને જન્મ આપી શકે તે માટે પોતાના ઘરમાં પણ ખોરાકનું પુરતું ધ્યાન આપવા સૌને હાકલ કરી હતી.
આ પ્રસંગે ઝાલોદ તાલુકા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ જણાવ્યું હતું કે, સરકાર એ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી આયુષ્માન કાર્ડની ભેટ આપી છે જેના કારણે આજે લાખો લોકો, અનેક પરિવારો આરોગ્યની સુખાકારી અને મોંઘી સારવાર વિનામૂલ્યે મેળવી રહ્યા છે. તેવીજ રીતે સરકારશ્રીની અનેકવિધ યોજનાઓ થકી છેવાડાના માનવી પણ લાભાન્વિત થઈને પોતાના પરિવારને સમૃદ્ધ કરી રહ્યા છે. જેના દાખલા આપણી સમક્ષ આ યોજનાના લાભાર્થીઓ પોતે પોતાની જુબાની રજૂ કરી રહ્યા છે તેના થકી મળી રહ્યા છે. ત્યારે દેશની પ્રગતિની દિશામાં થઈ રહેલા કાર્યોમાં આપણે પણ જોડાઈને દેશને ઉન્નતિના શિખરે લઈ જવાના ભગીરથ કાર્યમાં જોડાઈએ તેવું આહવાન કર્યું હતું.
આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવિએ ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા અને યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ, યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ સાથે શપથ પણ લીધા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ કાર્યક્રમાં આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સહિત અન્ય યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો અને લાભોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગામમાં યાત્રાના આગમન પ્રસંગે કાર્યક્રમ સ્થળે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલા નિદર્શન સ્ટોલ થકી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સનું મંત્રી એ. નારાયણસ્વામીએ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ પણ નિરિક્ષણ કર્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, પ્રાંત અધિકારી ગોહિલ, અગ્રણીઓ, મામલતદાર અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.