દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અગારા ગામે એક યુવતી તથા તેના પરિચિત યુવાન દ્વારા અંગત કારણોસર આત્મઘાતી પગલું ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની જાણ થતાં જનરક્ષક – 112ની દુધિયા PCR ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.
ફરજ પર રહેલા એ.એસ.આઈ. અક્ષયરાજસિંહ ઘનશ્યામસિંહ (બકલ નં. 679) તેમજ તેમની સાથેના જી.આર.ડી. પ્રવીણભાઈ જશવંતભાઈ, જી.આર.ડી. ચીમનભાઈ ખુમાનભાઈ અને જી.આર.ડી. આરતભાઈ સાયબાભાઈ તથા લીમખેડા પોલીસ સ્ટેશનના નાઇટ પેટ્રોલિંગમાં ફરજ બજાવતા અ.હે.કો. કૃષ્ણકુમાર નટવરસિંહ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ત્વરિત અને સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચતા જાણવા મળ્યું કે બંને વ્યક્તિઓ ઘરની અગાસી પર હતા અને ત્યાં પહોંચવાનો કોઈ સીધો માર્ગ ઉપલબ્ધ ન હતો. પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં પોલીસ ટીમે પોતાની સૂઝબૂઝ, હિંમત અને કાર્યકુશળતા નો પરિચય આપી વૈકલ્પિક માર્ગ શોધી અગાસી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ટીમે સમયસર બંનેને સમજાવી સુરક્ષિત રીતે બચાવી તેમનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો.
ત્યારબાદ બંને વ્યક્તિઓને સલામત રીતે નીચે ઉતારી જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા. બચાવાયેલ યુવતીએ જનરક્ષક – 112 તથા લીમખેડા પોલીસની ત્વરિત કામગીરી, સંવેદનશીલ અભિગમ અને બહાદુરીની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી તેમજ સમયસર મળેલી મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર ઘટનામાં જનરક્ષક – 112 દુધિયા PCR ટીમે સમયસૂચકતા, સંકલિત ટીમવર્ક, માનવતાભર્યો અભિગમ અને ફરજ પ્રત્યેની અડગ નિષ્ઠા દર્શાવી બે કિંમતી માનવજીવન બચાવી પોલીસ સેવાની જનકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


