વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને ધ્યાને રાખી એક લક્ષ્ય સાથે શિક્ષણ પર ફોકસ કરે તે જરૂરી છે. –– વિજયકુમાર ખરાડી
દાહોદ જિલ્લા સહિત રાજ્ય વ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૬ના અંતિમ દિવસે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર વિજયકુમાર ખરાડીની અધ્યક્ષતા હેઠળ દાહોદ તાલુકાની વિશ્વકર્મા માધ્યમિક શાળા, નગરાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મેનેજીંગ ડિરેક્ટર વિજયકુમાર ખરાડીએ શાળાની મુલાકાત લઈ ૫૭ બાળકોને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર વિજયકુમાર ખરાડીએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં અને બાળકોને સંબોધીને જણાવ્યું હતું કે, બાળકો માટે અત્યારનો સમય ખૂબ જ મૂલ્યવાન છે. આ સમય પાછો કયારેય આવશે નહી. જેથી ધ્યાન આપીને ભણીગણી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઈએ. જેથી આત્મનિર્ભર બની શકાય અને આર્થિક રીતે પણ પ્રગતિ સાધી શકાય છે. મહેનત કરવાથી સફળતા અવશ્ય મળે છે. વિદ્યાર્થીઓ માટેની સરકારી યોજનાઓનો લાભ લે તેમજ વાલીઓ પણ બાળકોના અભ્યાસ અંગે જાગ્રત બની પોતાના બાળકોને પૂર્ણ અભ્યાસ કરાવે એ મહત્વનું છે.
મેનેજીંગ ડિરેક્ટર વિજયકુમાર ખરાડીએ વિશ્વકર્મા માધ્યમિક શાળામાં ધોરણ ૯ તેમજ ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પર્યાવરણ તેમજ ટેક્નોલોજી વિષય અંગે વક્તવ્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે મેનેજીંગ ડિરેક્ટર વિજયકુમાર ખરાડીએ શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ બેઠક યોજી શાળાકીય માહિતી મેળવી હતી. આ પ્રસંગે ક્ષય અધિકારી ડૉ.પહાડીયા, દેવગઢ બારીયા મામલતદાર સમીર પટેલ, સી.આર.સી. જનક પટેલ, સથવારા ટ્રસ્ટના પ્રમુખ પ્રેમશંકર કડિયા, ખરોદા શાળાના પ્રિન્સિપાલ, નેહલ શાહ, સરપંચ, ઉપ સરપંચ, સથવારા ટ્રસ્ટના સભ્યો, શાળા સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


