દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડાની માધ્યમિક શાળામાં ચોરીની ઘટના સામે આવી છે. ગરબાડા માધ્યમિક શાળામા તસ્કરો ત્રાટકયા હતા. શુક્રવાર વારની રાત્રીના સમયે વરસાદી માહોલનો લાભ લઇ અજાણ્યા તસ્કરોએ માધ્યમિક શાળાને નિશાન બનાવી હતી.
તસ્કરોએ શાળાના બંધ ઓરડાઓના તાળા તોડી શાળામા પ્રવેશ કર્યો હતો, અને શાળાના કબાટોમા વેરવિખેર કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર તસ્કરોએ શાળાના 7 ઓરડાના તાળા તોડ્યા હતા, અને રૂમની અંદર લગાવેલ 7 પંખા, 1 મોનિટર જેવા ઉપકરણોની ચોરી કરી હતી, અને રૂમમાં લગાવેલ સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી. શાળામા ચોરી થયાની જાણ થતા શાળાના આચાર્ય દ્વારા ગરબાડા પોલીસને આ બાબતની જાણ કરાતા ગરબાડા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ ચોરીની ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામા આવી છે.
અત્રે ઉલ્લખનીય છે કે, ગત મહિનામા પણ ગરબાડા તાલુકામા તસ્કરોએ બે શાળાઓને નિશાન બનાવી હતી અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આમ ગરબાડા તાલુકામા પાછલા 1 માસમા 3 શાળાઓને તસ્કરોએ નિશાન બનાવી હતી.